હરિયા કોલેજ રોડની વરસાદી કેનાલ કચરા અને કીચડથી ઉભરાઈ
મચ્છરોના ત્રાસથી રહેવાસીઓ ત્રાહિમામ, પ્રી-મોન્સૂન કામગીરી અને કેનાલ સાફ કરવા લોકોનો પોકાર
શહેરના હરિયા કોલેજ રોડ પર આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની મુખ્ય કેનાલ હાલમાં ગંદકી અને કચરાના કારણે અત્યંત દયનીય સ્થિતિમાં છે. હરિયા કોલેજથી લઈને ગોકુલનગર સર્કલ સુધી લંબાયેલી આ કેનાલમાં ટનબંધ કચરાના ઢગલાઓ અને ચીક્કાર કીચડ જમા થયો છે, જેના કારણે આખી કેનાલ દુર્ગંધ મારતી ગંદકીથી ખદબદી રહી છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, આ કેનાલની નિયમિત સફાઈ થતી નથી અને જાણે સફાઈ કર્મચારીઓ આ વિસ્તારમાં આવતા જ ન હોય તેવી પરિસ્થિતિ છે.
ચોમાસાની ઋતુ માથે હોવા છતાં અને વરસાદી પાણીના સુચારુ નિકાલ માટે પ્રી-મોન્સૂન સફાઈ કામગીરી કરવી ફરજિયાત હોવા છતાં, તંત્ર દ્વારા આ કેનાલની સફાઈ કરવામાં આવી નથી. રહેવાસીઓ કાગડોળે આ કેનાલની સફાઈ થાય તેની રાહ જોઈ રહ્યા છે. કેનાલમાં ભરાયેલા કચરા અને ગંદા, તફિંલક્ષફક્ષિં પાણીના કારણે આજુબાજુના વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ અતિશય વધી ગયો છે. મચ્છરોના ત્રાસથી આસપાસના રહેવાસીઓ દિવસ-રાત પરેશાન છે અને રોગચાળો ફાટી નીકળવાનો ભય તેમને સતાવી રહ્યો છે. ગંદકી અને મચ્છરના કારણે આરોગ્ય જોખમમાં મુકાયું છે.
આ ગંભીર સમસ્યાને જોતા, હરિયા કોલેજ રોડ થી ગોકુલનગર સર્કલ સુધીની આ વરસાદી કેનાલની સફાઈ યુદ્ધના ધોરણે તાત્કાલિક કરવામાં આવે તેવી સ્થાનિક રહેવાસીઓ દ્વારા તંત્ર સમક્ષ પોકાર અને ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે. ચોમાસુ શરૂૂ થાય તે પહેલા કેનાલ સંપૂર્ણપણે સાફ થાય તે સુનિશ્ચિત કરવું અત્યંત આવશ્યક છે જેથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા અને મચ્છરજન્ય રોગોના પ્રકોપને અટકાવી શકાય.