હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં વધારો: કોર્ટમાં હાજર ન થતાં કોર્ટે ફરી ધરપકડ વોરંટ જાહેર કર્યું
પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા એક કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 2018ના એક કેસમાં 10 સપ્ટેમ્બરના રોજ ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું હતું. પરંતુ હાર્દિક પટેલ હાજર ન થતાંકોર્ટે સતત બીજીવાર હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યું છે. કોર્ટમાં વારંવાર ગેરહાજર રહેવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ કેસની કોર્ટ મુદતોમાં હાર્દિક પટેલ વારંવાર ગેરહાજર રહેતાં કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું હતું, જોકે ધરપકડ વોરંટ જાહેર કર્યા બાદ પણ હાર્દિક પટેલ કોર્ટ સમક્ષ હાજર ન રહેતાં તેમની સામે ફરી આજે, એટલે કે 12 સપ્ટેમ્બરના શુક્રવારના રોજ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. કોર્ટના આ આદેશ બાદ પોલીસ હવે હાર્દિક પટેલની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરી શકે છે.
નોંધનીય છે કે આ કેસ વર્ષ 2018માં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન દરમિયાન નોંધવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, તે સમયે હાર્દિક પટેલે અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાટીદારોને અનામત આપવાની અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ઉપવાસની જાહેરાત કરી હતી. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થતાં અપશબ્દો અને હાથાપાઇ થઇ હતી. આ ઘટનામાં હાર્દિક પટેલ, ગીત પટેલ અને કિરણ પટેલ સહિત કુલ ત્રણ લોકો સામે પોલીસ સાથે ગેરવર્તણૂક અને કાયદો-વ્યવસ્થાનો ભંગ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો.