જિલ્લા જેલમાં કાચા કામના કેદીનું હૃદય બંધ પડી જતાં મોત
મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના વતની અને એક હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહેલા કાચા કામના કેદીનું આજે સવારે જિલ્લા જેલમાં હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજયું હોવાનું જાહેર થયું છે. જે મામલામાં પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામના વતની અને ભાણવડ પોલીસ સ્ટેશનના હત્યા તેમ જ હત્યા પ્રયાસ કેસના કાચા કામના કેદી જામનગરમાં જેલવાસ ભોગવી રહેલા ગોવિંદભાઈ નથુભાઈ ખરા (ઉંમર વર્ષ 52) કે જેઓને આજે સવારે પોતાના બેરેકમાં ઉઠાડતાં ઉઠયા ન હતા, અને બેશુદ્ધ બન્યા હતા.જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.આ બનાવ અંગે જેલના સુબેદાર વિનોદભાઈ બેચરભાઈ સોલંકીએ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતાં પીએસઆઇ એમ કે બ્લોચ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને કેદીના મૃતદેહ નો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જયારે તેની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. જેના વિસેરા લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, તેમજ સમગ્ર મામલામાં વધુ તપાસ ચલાવાઈ રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન તેનું હૃદય બંધ પડી ગયું હોવાથી મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાવાયું છે. જેના ફાઇનલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.