ભાવનગર જિલ્લામાં અડધાથી સાડા પાંચ ઇંચ વરસાદ, માલણ નદીમાં ઘોડાપૂર
શેત્રુંજી ડેમના દરવાજા ખોલાતા પાલિતાણા અને તળાજાના ગામોને એલર્ટ કરાયા
ભાવનગર જિલ્લામાં આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જિલ્લા ના મહુવામાં સાડા પાંચ ઇંચ, ગારીયાધારમાં સાડા ચાર ઈંચ, જેસરમાં અઢી ઇંચ સહિત જીલ્લાભર મા વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે.
મહુવા પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બપોરના બે વાગ્યા સુધીમા જ સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી સર્વત્ર જળબંબાકાર ની સ્થિતિ ઊભી થઈ છે. મહુવાની માલણ નદી બે કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.
ગારીયાધારમાં પણ સવારે ધોધમાર વરસાદ પડ્યો છે. ગારીયાધાર માં સવા ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ભાવનગર શહેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જેસરમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સમગ્ર ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ જમ્યો છે.
ભાવનગર જિલ્લામાંઆજે સવારના ના 6 થી બપોરના 2 કલાક સુધીના વરસાદના આંકડા જોઈએ તો, વલ્લભીપુર - 2 મી.મી., ઉમરાળા -2 મી.મી., ભાવનગર 10 મિ.મી., ઘોઘા -40 મિમી, સિહોર -14 મિ.મી., ગારીયાધાર -111 મિ.મી., પાલીતાણા -48 મિ.મી., તળાજા 31 મિમી, મહુવા - 134 મિ.મી. તથા જેસર 62 મિમી વરસાદ વરસી ગયો હતો. આમ ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
ભાવનગર જિલ્લા ના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ચોમાસાની ચાલુ સિઝનમાં ચોથી વખત ઓવર ફ્લો થયો છે. ડેમ ના દરવાજા બપોરે ખોલવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર ડો. મનીષ બંસલ એ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને કારણે લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. તેમજ શેત્રુંજી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોય પાલીતાણા અને તળાજા ના નીચાણવાળા ગામોને સાવચેત રહેવા જણાવ્યું છે.