વડોદરામાં માઇક્રો ટનલિંગ દરમિયાન મુખ્ય ગેસ લાઇન ફાટતા અડધા શહેરના ચુલા સળગ્યા નહીં
વડોદરા શહેરમાં રવિવારે અચાનક ગેસ પુરવઠો ઠપ થઈ જતાં આશરે 5 લાખથી વધુ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હરણી નજીક ગોલ્ડન ચોકડી પાસે ડ્રેનેજ માઇક્રો ટનલિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે શહેરને પુરવઠો કરતી મુખ્ય ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. ભંગાણ થતાં જ ગેસનો જોરદાર ફૂવારો ઉડ્યો બાદ સલામતીને ધ્યાનમાં લઇ તંત્રે તરત જ ગેસ સપ્લાય બંધ કરી દીધો હતો.
આ ઘટનાને કારણે પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ વિસ્તારના અંદાજે દોઢ લાખથી વધુ ઘરોમાં ગેસ આવવો બંધ થઈ ગયો હતો. રવિવારે આખો દિવસ નાગરિકોને રસોઈ માટે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. લોકો બપોરનું ભોજન સમયસર બનાવી શક્યા નહોતા, જ્યારે સાંજની ચા-નાસ્તો અને રાત્રિભોજન માટે બહારના વિકલ્પોનો સહારો લેવો પડ્યો. ખાસ કરીને પૂર્વ અને ઉત્તર ઝોનમાં અસર વધુ જોવા મળી હતી, જ્યારે અનેક વિસ્તારોમાં સિલિન્ડર, હોટલ અને પેકેજ્ડ ફૂડ પર નિર્ભર થવાની ફરજ પડી.
ઘટનાની જાણ થતાં જ વડોદરા ગેસ લિમિટેડ, મહાનગરપાલિકા અને અગ્નિશમન દળની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ટખઈ અને ટૠક દ્વારા રિસ્ટોરેશનનું કામ રાતોરાત યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું. અંતે સોમવારે વહેલી સવારે 7.15 વાગ્યે હરણી વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં ગેસ સપ્લાય ફરીથી શરૂૂ થયો.