સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વીજચોરીમાં હાલાર નંબર વન
જામનગર સર્કલનો ટી એન્ડ ડી લોસ 26 ટકા જેટલો: સૌથી વધુ નુકસાન જયોતિગ્રામ યોજનામાં 40 ટકાથી વધુ
30 ટકાથી વધુ ટી.એન્ડ ડી. લોસવાળા કચ્છ-સૌરાષ્ટ્રના 45 પૈકી 13 સબ ડિવિઝન હાલારના
ખંભાળિયામાં 37.92 ટકા અને સૌથી ઓછી જામનગર ગ્રામ્યમાં 16.23 ટકા વીજચોરી
પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપનીના જામનગર સર્કલમાં વર્ષોથી વીજચોરીનું દુષણ યથાવત રહ્યું છે. સમયાંતરે કોર્પોરેટ કચેરી દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, પરંતુ સ્થાનિક વર્તુળ કચેરીની ઉદાસિનતાના કારણે વીજચોરીનું પ્રમાણ ઘટવાને બદલે વધતું જાય છે.
કોર્પોરેટ કચેરીની વેબસાઈટ પર વર્ષ 2023-24ના એન્યુઅલ રિપોર્ટમાં ચોંકાવનારી આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી છે.
જેમાં વર્ષ 2023-24માં સમગ્ર કચ્છ સૌરાષ્ટ્રમાં વીજચોરીમાં જામનગર સર્કલ 25.72 ટકા સાથે અવ્વલ રહ્યું છે. અને સુરેન્દ્રનગર 23.09 ટકા સાથે બીજા ક્રમે જયારે સૌથી ઓછી વીજચોરી મોરબીમાં 6.40 ટકા અને રાજકોટ શહેરમાં 6.89 ટકા રહી છે.
જામનગર સર્કલ હેઠળના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઔદ્યોગિક તેમજ શહેરી વિસ્તારો કરતાં જયોતિગ્રામ યોજના અને ખેતીવાડીમાં વીજચોરીનું દુષણ વધ્યું છે. જયોતિગ્રામ યોજનામાં જામનગર સર્કલનો ટી એન્ડ ડી લોસ 40.46 ટકા સાથે સમગ્ર કચ્છ- સૌરાષ્ટ્રમાં બીજા ક્રમે રહ્યો છે. જયારે એગ્રીકલ્ચરમાં વીજ લોસ 30.18 ટકા, શહેરી વિસ્તારમાં 26.72, ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારનો 1.45 ટકા, જી.આઈ.ડી.સી. વિસ્તાર નો 2.98 ટકા પાવરચોરી નો દર રહયો છે.
વીજ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જામનગર સર્કલનો ટી એન્ડ ડી લોસ વધવા પાછળ મહદ અંશે વીજ કર્મચારીઓ જ જવાબદાર છે. જામનગર સર્કલ દ્વારા વીજચોરી ઘટાડવા માટે માત્ર કોર્પોરેટ કચેરી પર જ વધારે નિર્ભર રહે છે. નામ પૂરતી જ સ્થાનિક ડ્રાઈવ યોજી કામગીરી કર્યાનો સંતોષ માની લે છે. જો ખરેખર વીજ અધિકારીઓ દ્વારા વધુ વીજલોસ ધરાવતા વિસ્તારોમાં એકાંતરે ડ્રાઈવનું આયોજન કરવામાં આવે તો ચોકકસ વીજલોસ ઘટાડી શકાય.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા અસામાજિક તત્વો વિરૂૂધ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં જામનગરના 113 જેટલા ઈસમોની ગેરકાયદેસર વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જેના કારણે જામનગર સર્કલનું ત્રણ ટકા જેટલો વીજલોસ ઘટી ગયો છે. જો પોલીસ ટુંકાગાળામાં ત્રણ ટકા જેટલો વીજલોસ ઘટાડી શકતી હોય તો વીજ અધિકારીઓ લાંબા ગાળાના આયોજન કરે તો ચોકકસ વીજલોસ ઘટાડી શકે.
હાલારના 34 સબ ડીવીઝન પૈકી 13માં સૌથી વધુ વીજ લોસ જામનગર વર્તુળ કચેરી હેઠળના
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 34 સબ ડીવીઝન પૈકી 13 સબ ડીવીઝનમાં 30 ટકાથી વધુ વીજ લોસ આવે છે. જેમાં કલ્યાણપુર 53.33 ટકા સાથે નંબર વન અને વડત્રા 47.32 ટકા સાથે બીજા ક્રમે છે.
30 ટકાથી વધુ વીજલોસ ધરાવતા સબ ડિવિઝન
કલ્યાણપુર 53.33
વડત્રા 47.32
લાલપુર 44.75
દરબારગઢ 44.55
ભાણવડ 44.50
પટેલ કોલોની 42.62
ભાટીયા 41.97
વેરાડ 40.03
ખંભાળિયા (આર) 35.57
ખંભાળિયા ગેઈટ 34.80
નગરસીમ 31.86
જામજોધપુર-ઈસ્ટ 31.06
ધ્રોલ રૂૂરલ 30.55