રાજકોટના યુવાન માટે હાજી પીરની યાત્રા બની અંતિમ યાત્રા, પરિવારમાં શોક
હાજીપીરના ઉર્ષમાં કારથી યાત્રાએ આવેલા રાજકોટના 46 વર્ષીય યુવાન અમિતભાઈ અખરભાઈ બલોચ માટે આ યાત્રા નીવડી હતી. પરત ફરતા તેમની તબીયત લથડતા સારવાર નસીબ થાય તે પહેલાં જ એમ્બ્યુલન્સમાં મૃત્યુ થયું હતું. આ ઉપરાંત માંડવીના બિદડામાં 48 વર્ષીય આધેડ રતનભાઈ વિશ્રામભાઈ સંઘારે જ્યારે અંજારમાં 24 વર્ષના યુવાન કિરણ જીવરાજભાઈ નાઈએ ગળે ફાંસો ખાઈ જીવ દઈ દીધા હતા.
જ્યારે નખત્રાણાના દેવપર (યક્ષ)માં 28 વર્ષીય યુવા પરિણીતા રમીલાબેન ભાવેશભાઈ ભદ્રુએ વખ ધોળ્યું હતું. તેમજ આદિપુરમાં પાણીના ખાડામાં ડૂબી જવાથી 15 વર્ષીય કિશોર ભાવેશ પ્રેમાભાઈ ભીલ (માજીરાણા)નું મૃત્યુ થતા અરેરાટી વ્યાપી હતી. રાજકોટના સદર બજારમાં રહેતા અમિતભાઈ પરિજનો સાથે હાજીપીરની યાત્રાએ આવ્યા હતા. ગઈ કાલે સાંજે દર્શન કરી પરત ફરી રહ્યા હતા અને નખત્રાણા નજીક આવેલા સીએનજી પંપ પાસે પહોંચતા અમિતભાઈની તબીયત લથડતા પ્રથમ નખત્રાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા.
ત્યાંથી વધારે સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફત ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાતા હતા. પરંતુ એમ્બ્યુલન્સ ભુજ પહોંચે તે પહેલાં સુખપર પાસે રસ્તામાં અમિતભાઈએ દમ તોડી દીધાની વિગતો મૃતક અમિતભાઈના ભાણેજ શાહિલ સતારભાઈ બલોચે જી. કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર કરી છે.