જ્ઞાન પ્રકાશ સ્વામી આખરે ઝુક્યાં, વીરપુર આવી જલારામ બાપાની માફી માગી
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત શ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ ટીપ્પણીને લઈને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે હવે જ્ઞાનપ્રકાશ સ્વામીએ આજે વીરપુર સ્થિત જલારામ બાપાના મંદિરે આવીને માફી માગી છે.
જ્ઞાનપ્રકાશ સ્વામી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વીરપુર પહોંચ્યા હતાં. તેઓ બ્લેક કલરની સ્કોર્પીયોમાં વીરપુર પહોંચ્યો હતો. મીડિયાની નજરથી બચાવવા માટે તેમને મંદિરના પાછળના ભાગેથી સીધા મંદિરમાં લઇ જવાયા હતા. સ્વામી પાછળના દરવાજેથી વીરપુર દર્શન કરીને રફુ ચક્કર થયાં હતાં.
સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામી હાલ વિવાદમાં છે. તેમણે પૂ.જલારામ બાપા વિશે કરેલ ટિપ્પણીથી રઘુવંશી સમાજ તેમજ જલારામ બાપાના ભક્તોમાં રોષ ફેલાયો હતો. ત્યારબાદ વિવાદ વકરતા જલારામ બાપા અંગે ટિપ્પણી કરનારા સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ આખરે વીરપુર આવી માફી માગી છે. ભક્તો અને રઘુવંશી સમાજના રોષ સામે આખરે આ સ્વામી ઝૂક્યા છે અને વીરપુરના મંદીરમાં આવી માથુ ટેકવી માફી માગી છે.