ગુજરાતના નિવૃત્ત ડીએસપી એમ.એફ.જાદવને કોર્ટે ફટકારી એક વર્ષની કેદ, જાણો સમગ્ર મામલો
મોરબી: ગુજરાતના મોરબી જિલ્લાના પૂર્વ સીટી પીઆઈ અને હવે નિવૃત ડીએસપી એમ.એફ.જાદવને મોરબી કોર્ટે સજા ફટકારી છે. 2004માં નોંધાયેલી ફરિયાદની સુનાવણી બાદ કોર્ટે પોલીસ અધિકારીને સાદી કેદ અને દંડની સજા ફટકારી હતી.
નિવૃત્ત ડીએસપી સામે ફરિયાદ
એડવોકેટ બી.એચ. નંદસાણાએ જણાવ્યું કે, એમ.એફ. જાદવ વર્ષ 2004માં મોરબી સીટી પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા. તેની સામે મોરબીના ચીફ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ખોટી કબૂલાત અને ગેરકાયદેસર થર્ડ ડીગ્રીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસ સામે નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
કેદ અને દંડ
આ કેસમાં પીઆઈ જાદવ અને અન્ય પોલીસ કર્મચારીઓને સમન્સ પાઠવી કોર્ટમાં હાજર થવાનો આદેશ કરાયો હતો. આ કેસ મોરબી કોર્ટમાં પુરાવા, પ્રત્યક્ષદર્શી સાક્ષીઓ અને ફરિયાદીની જુબાની અને મેડીકલ પુરાવા અને પોલીસ દ્વારા માર મારવા અંગે કાયદાકીય દલીલોના તબક્કે રજૂ કરવામાં આવ્યો હતો. આ દલીલોના અંતે મોરબી કોર્ટે પીઆઈ જાદવને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે આરોપી પીઆઈ જાદવને એક વર્ષની સાદી કેદ અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
વિસ્તારમાં ચર્ચાનો વિષય
એમ.એફ.જાદવ મોરબીમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા. બાદમાં તેમને ડીએસપી તરીકે બઢતી આપવામાં આવી અને નિવૃત્ત થયા. આ બનાવ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે મોરબી જીલ્લામાં પોલીસને સજા કરવાની આ પ્રથમ ઘટના છે જ્યાં પ્રથમ વખત કોઈ નિવૃત ડીએસપીને કોર્ટ દ્વારા સજા કરવામાં આવી હોય.