ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગુજરાતનો વરસાદ 100 ટકાને પાર, હવે લીલા દુકાળનો ભય

01:28 PM Sep 09, 2025 IST | Bhumika
Advertisement

રાજયમાં સિઝનનો કુલ વરસાદ 108 ટકા, નપાણીયા ગણાતા કચ્છમાં સૌથી વધુ 134 ટકાથી વધુ પાણી પડી ગયું, સૌરાષ્ટ્રમાં હજુ 7 ટકાની ખાધ

Advertisement

ગુજરાતમાં સતત ચોથા વર્ષે ચોમાસુ ભરપુર વરસ્યુ છે અને ભાદરવામાં પણ મેઘરાજાની ધબધબાટી વચ્ચે રાજયનો આજે સવાર સુધીનો સીઝનનો સરેરાશ વરસાદ 107.75 ટકાએ પહોંચી ગયો છે. રાજયના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટી જેવી હાલત છે ત્યારે હવે વધુ વરસાદ પડે તો લીલા દુકાળનો ખતરો સર્જાયો છે.
રાજયમાં નપાણીયા ગણાતા કચ્છમા સૌથી વધુ 134 ટકા વરસાદ પડી ગયો છે તો સૌરાષ્ટ્રમાં હજુ 93 ટકા વરસાદ પડતા સાત ટકાની ઘટ જોવા મળી રહી છે.

9 સપ્ટેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 107.75 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 134.38 ટકા, ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 110.10 ટકા, સૌરાષ્ટ્રમાં 93.36 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 110.68 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ચાર વર્ષથી રાજ્યમાં 100 ટકાથી વધારે વરસાદ પડી રહ્યો છે. 2022માં 1037.88 મીમી સાથે 122.09 ટકા વરસાદ વરસ્યો હતો. 2023માં 948.06 મીમી સાથે 108.16 ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે 2024માં 1263.90 મીમી સાથે 143.14 ટકા વરસાદ વરસ્યો હતો.
દરમિયાન ગુજરાતમાં આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન 67 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે જાહેર કરેલા આંકડા પ્રમાણે, કચ્છના લખપતમાં સૌથી વધુ 6.26 ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભાભરમાં 5.28 ઇંચ, રાપરમાં 4.76 ઇંચ, ભચાઉ અને નખત્રાણામાં 4.13 ઇંચ, ગાંધીધામમાં 3.74 ઇંચ, ભુજ: 3.39 ઇંચ, અંજારમાં 3.07 ઇંચ વરસાદ પડ્યો હતો.

આ સિવાય સાંતલપુરમાં 2.95 ઇંચ, અબડાસામાં 2.4 ઇંચ, રાધનપુરમાં 2.28 ઇંચ, માળીયામાં 2.17 ઇંચ, થરાદમાં 2.01 ઇંચ, દિયોદરમાં 1.19 ઇંચ, વાવમાં 1.65 ઇંચ, માંડવીમાં 1.5 ઇંચ, લાખણીમાં 1.46 ઇંચ, મુન્દ્રામાં 1.34 ઇંચ, ધાનેરામાં 1.02 ઇંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક તાલુકામાં 6 ઇંચથી વધારે, એક તાલુકામાં 5 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 4 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 3 ઇંચથી વધારે, પાંચ તાલુકામાં 2 ઇંચથી વધારે, 6 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. બાકીના તાલુકામાં એક ઇંચથી ઓછી મેઘમહેર થઈ હતી. ભચાઉમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે અને સોસાયટીઓ જળમગ્ન થઇ ગઇ હતી અને ઘૂંટણસમા પાણી ભરાયા હતા.
ગુજરાતમાં 24 કલાકમાં કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. લખપત, ભુજ, ગાંધીધામ, રાપર, ભચાઉ સહિતના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. ઘણા ગામોમાં પણ પાણી ફરી વળ્યા હતા. સતત અનરાધાર વરસાદ વરસવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. રાપરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી હતી અને કીડીયાનગર છોટાપર નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીમાં ઘોડાપૂર આવતા વાહનવ્યવહાર બંધ કરાયો હતો.

વરસાદને કારણે 339 રસ્તા બંધ
રાજ્યમાં ભારે વરસાદને કારણે વાહનવ્યવહારને અસર થઈ છે. કુલ 339 રસ્તાઓ બંધ થયા છે, જેમાં 2 નેશનલ હાઈવે, 12 સ્ટેટ હાઈવે અને 310 પંચાયત હસ્તકના રસ્તાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વલસાડમાં 40, મહીસાગરમાં 39, નવસારીમાં 33, અને તાપી-સુરતમાં 28-28 રસ્તાઓ બંધ છે. સાબરકાંઠાના હિંમતનગર-ધનસુરા સ્ટેટ હાઈવે પર પણ પાણી ભરાયા છે, જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.

હજુ બે દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ સુધી કચ્છમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ રહેશે. જોકે, અન્ય વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, વલસાડ, તાપી, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, નર્મદા અને સુરત જેવા જિલ્લાઓમાં વરસાદનું જોર ઓછું રહેશે.

Tags :
gujaratgujarat newsMonsoonrainrain fall
Advertisement
Next Article
Advertisement