ગુજરાતના નવા પ્રધાન મંડળના શપથ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓનું જમ્બો પ્રધાન મંડળ, સૌરાષ્ટ્રને હેવી વેઈટેજ, રાજકોટ શહેર અને રાદડિયા હાંસિયામાં
હર્ષ સંઘવી બનશે નાયબ મુખ્યમંત્રી, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈને રિપીટ કરાયા
મહાત્મા મંદિરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મંત્રીઓને લેવડાવ્યા શપથ
છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના નવા મંત્રી મંડળને લઈને ઘણી અટકળો થઈ રહી હતી ત્યારે હવે આ વાતનો અંત આવ્યો છે અને નવા મંત્રી મંડળે આજે વિજયમુર્હૂતમાં શપથ લીધા છે. મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતાં. ગુજરાતના આ નવા મંત્રી મંડળમાં છ મંત્રીને રિપીટ કરાયા છે. જ્યારે 21 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્ર કચ્છનો દબદબો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી કુલ નવ મંત્રીને સ્થાન આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે જ્યારે સહકારી ક્ષેત્રમાં દબદબો ધરાવતાં સૌરાષ્ટ્રના કદાવર નેતા જયેશ રાદડિયાને સાઈડ લાઈન કરી દેવામાં આવ્યા છે અને રાજકોટ શહેરના ચાર ધારાસભ્યોમાંથી કોઈપણનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
ગુજરાત મંત્રી મંડળને લઈને ગત રોજથી અનેક રાજકીય અટકળો વચ્ચે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને નવા મંત્રી મંડળનું લીસ્ટ સોંપ્યું હતું અને એ પહેલા મુખ્યમંત્રીએ રિપીટ થતાં મંત્રીઓને પોતે જ ફોન કરીને જાણ કરી હતી. જેમાં હર્ષ સંઘવી, પુરૂસોત્તમ સોલંકી, કુંવરજી બાવળીયા, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈને કહ્યું હતું કે, આપણે સાથે છીએ. તમારે શપથ લેવાના છે. ત્યારબાદ તેમણે રાજ્યપાલને નવા મંત્રી મંડળની યાદી સોંપી હતી. જેમાં કાંતિ અમૃતિયા, કૌશિક વેકરીયા, નરેશ પટેલ, અર્જુન મોઢવાડીયા, જીતુ વાઘાણી, રિવાબા જાડેજા, જયરામ ગામીત, ત્રિકમ છાગા, પ્રધ્યુમન વાજા, દર્શના વાઘેલા, રમેશ કટેરા, ઈશ્ર્વર પટેલ, પી.સી.બરંડા, સ્વરૂપજી ઠાકોર, ઈશ્ર્વરસિંહ પરમાર, મનીષા વાઘેલા, પ્રવિણ માળી અને કુમાર કાનાણીનો સમાવેશ થાય છે. આ બધા જ નવા મંત્રીઓને પ્રદેશ પ્રમુખ વિશ્ર્વકર્માએ ફોન કરીને જાણ કરી હતી.
ગત રોજ જ જૂના મંત્રી મંડળના રાજીનામા લઈ લેવામાં આવ્યા હતાં અને મુખ્યમંત્રી રાજ્યપાલની મુલાકાત લેવાના હતાં. પરંતુ છેલ્લી ઘડીએ તે રદ થયું હતું તે ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત પણ અચાનક રદ થતાં મંત્રી મંડળના વિસ્તરણને લઈને કંઈક રંધાઈ રહ્યાં હોવાનું જોવા મળ્યું હતું. પરંતુ આજે સવારે પીકચર ક્લિયર થતાં મુખ્યમંત્રી નવા મંત્રીઓની યાદી સાથે રાજ્યપાલને મળવા પહોંચ્યા હતાં. છ મંત્રીઓને રિપીટ કરાયા છે તેમાં હર્ષ સંઘવીને નાયબ મુખ્ય પ્રધાનનું પદ આપી પ્રમોશન આપવામાં આવી શકે છે. તેમજ પ્રફુલ પાનસેરિયાને પણ કેબીનેટની બેઠકમાં મંત્રી પદમાં ઉચ્ચ કક્ષાનું સ્થાન મળી શકે છે.
શપથવિધી બાદ કેબીનેટની બેઠક મળશે અને આ બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે ત્યારબાદ આવતીકાલે જ મોટાભાગનાં મંત્રીઓ ધનતેરસનું મુહૂર્ત સાચવી કાર્યભાર સંભાળે તેવી શકયતા પણ સેવાઈ રહી છે. મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહમાં હાલના ધારાસભ્યો ઉપરાંત પૂર્વ ધારાસભ્યો સહિતના સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
સૌરાષ્ટ્ર-કચ્છનો મંત્રી મંડળમાં દબદબો
કાંતિ અમૃતિયા -મોરબી
કૌશિક વેકરિયા - અમરેલી
જીતુ વાઘાણી - ભાવનગર
પરસોત્તમ સોલંકી - ભાવનગર
રિવાબા જાડેજા - જામનગર
ડો.પ્રધ્યુમન વાજા-કોડીનાર
કુંવરજી બાવળિયા - રાજકોટ
અર્જુન મોઢવાડિયા - પોરબંદર
કોણ કોણ રિપીટ
રૂષિકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા
કુંવરજીભાઈ બાવળિયા, કનુ દેસાઈ
પુરુષોત્તમ સોલંકી, હર્ષ સંઘવી
નવા મંત્રીઓ
કાંતિભાઈ અમૃતિયા
જીતુ વાઘાણી
રિવાબા જાડેજા
કૌશિક વેકરીયા
નરેશ પટેલ
અર્જુન મોઢવાડિયા
જયરામ ગામીત
ત્રિકમ છાગા
પ્રદ્યુમનભાઈ વાજા
સ્વરૂપજી ઠાકોર
દર્શના વાઘેલા
રમેશ કટારા
ઈશ્ર્વર પટેલ
પી.સી.બરંડા
મનીષા વકીલ
પ્રવિણ માળી
સંજયસિંહ માહીડા
કમલેશ પટેલ
સાંજ સુધીમાં ખાતા ફાળવણી કરાશે
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજ રોજ નવ નિયુક્ત મંત્રીઓનો શપથ સમારોહ બાદ સાંજ સુધીમાં કેબિનેટ બેઠક મળશે. ભૂપેન્દ્ર પટલેની સરકારના નવા મંત્રી મંડળની આજે પ્રથમ કેબિનેટ બેઠક મળશે. બેઠકમાં તમામ નવ નિયુક્ત મંત્રીઓને ખાતા ફાળવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ સામાન્ય વહીવટી વિભાગ કેબિનેટ બેઠક બોલાવશે. દિવાળી પહેલાની આજે સાંજે નવનિયુકત મંત્રીઓની પ્રથમ કેબિનેટ બેઠક મળશે.