ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છઠ્ઠી વખત ઓવરફલો
ડેમ છલ્લોછલ ભરાતા સપાટી 138.68મીટરે પહોંચી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જળ પૂજન કરી વધામણા કર્યા
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમનું 2017માં લોકાર્પણ કર્યા બાદ ગઇકાલે છઠ્ઠી વખત ઓવરફલો થયો હતો. ડેમની સપાટી 138.68 મીટરે પહોંચતા ડેમ છલકાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વૈદિક મંત્રોચ્ચાર સાથે લોકમાતા નર્મદાના પાવન જળનું પૂજન કરી વધામણા કર્યા હતા.
ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિની લાઈફ લાઈન એવી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ 138.68 મીટર એટલે કે, 455 ફુટ પહોંચી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગત જનની આદ્યશક્તિ માતાના આરાધના પર્વ શારદીય નવરાત્રીની નવમીના પવિત્ર દિવસે લોકમાતા નર્મદાના પાવન જળની આરાધના સરદાર સરોવર ડેમ સાઈટ એકતા નગર પહોંચીને જળ પૂજન અને વધામણાંથી કરી હતી. મુખ્યમંત્રીએ 10,453 ગામો, 190 શહેરો તથા 07 મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે 4 કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું પાડતા આ સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટનું જળાશય પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2017માં 17મી સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યુ ત્યારપછી આ ડેમ અત્યાર સુધીમાં કુલ 06 વખત - વર્ષ 2019, 2020, 2022, 2023, 2024 અને 2025માં તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. નર્મદા ડેમની 138.68 મીટર (455 ફુટ) સપાટીએ કુલ જળ સંગ્રહ ક્ષમતા 9460 મીલીયન ઘન મીટર છે.
ચાલુ ચોમાસાનાં સમયમાં નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં કુલ 302 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થયેલ છે. તેમજ અત્યાર સુધીમાં મહત્તમ 105 કરોડ યુનિટ માસિક વિજળીનું ઉત્પાદન સપ્ટેમ્બર 2025મા થયુ છે. અત્યાર સુધીમાં કુલ 6,810 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે.