For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાશિકમાં દીકરાની પ્રી-વેડિંગ પાર્ટી બાદ ગુજરાતી દંપતીનું રહસ્યમય મોત

03:37 PM Jan 08, 2025 IST | Bhumika
નાશિકમાં દીકરાની પ્રી વેડિંગ પાર્ટી બાદ ગુજરાતી દંપતીનું રહસ્યમય મોત

નાશિકમાં જેજુરકરવાડી પાસેની તિલકવાડીમાં યશોકૃપા બંગલોમાં રહેતા 58 વર્ષના જયેશ શાહ અને તેમનાં પંચાવન વર્ષનાં પત્ની રક્ષા શાહનું ઝેરી પદાર્થનું સેવન કરવાને લીધે મૃત્યુ થયું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. પુત્રના પ્રી-વેડિંગ માટે ઘરે પાર્ટી રાખી હતી. પાર્ટી પૂરી થયા બાદ નાનો પુત્ર બહાર ગયો હતો ત્યારે પતિ-પત્ની ઘરમાં બેભાન થઈ ગયાં હતાં.

Advertisement

પોલીસના જણાવ્યા મુજબ જયેશ શાહ અને રક્ષા શાહે રવિવારે રાત્રે તેમના નાના પુત્રનાં લગ્ન માટેની પ્રી-વેડિંગ ડિનર-પાર્ટી રાખી હતી. તેમનો મોટો પુત્ર અને પુત્રવધૂ બહારગામ ગયાં હતાં એટલે પાર્ટીમાં હાજર નહોતાં. પાર્ટી પૂરી થયા પછી નાનો પુત્ર પણ ફ્રેન્ડ્સ સાથે બહાર ગયો હતો એટલે જયેશભાઈ અને તેમનાં પત્ની રક્ષાબહેન ઘરે એકલાં હતાં. રાત્રે દસ વાગ્યે રક્ષા શાહે તેમના પુત્રને ફોન કરીને કહ્યું કે મારી તબિયત ખરાબ થઈ છે. આ સાંભળીને પુત્ર થોડી વારમાં ઘરે પાછો આવ્યો હતો. ત્યારે તેણે મમ્મી-પપ્પાને બેભાન હાલતમાં પડેલાં જોયાં હતાં. આથી તેણે પિતરાઈ ભાઈને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો અને બન્ને જયેશ શાહ અને રક્ષા શાહને પહેલાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે ડોક્ટરોએ તેમની હાલત જોઈને સરકારી હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું. નાશિક જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં પહોંચતાં ડોક્ટરોએ સારવાર શરૂૂ કરી હતી, પણ મોડી રાત્રે બે વાગ્યે બન્નેએ દમ તોડી દીધો હતો.

આ કેસની તપાસ કરી રહેલા સરકારવાડા પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સુધાકર બાગુલે કહ્યું હતું કે જયેશ શાહ અને રક્ષા શાહનાં મૃત્યુ કોઈક ઝેરી પદાર્થના સેવનથી થયાં હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. તેમના ઘરમાંથી કોઈ સુસાઇડ-નોટ નથી મળી. પુત્રનાં લગ્ન 20 દિવસ બાદ હોવાથી તેમણે ઘરમાં પ્રી-વેડિંગ પાર્ટી રાખીને બધાને આમંત્રિત કર્યા હતા. પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછમાં જયેશ શાહ અને તેમનાં પત્ની ખુશખુશાલ હોવાનું જણાઈ આવ્યું છે. જયેશ શાહ બિઝનેસમેન હતા, જ્યારે તેમનો મોટો પુત્ર ડેવલપર છે. નાનો પુત્ર પોસ્ટ-ગ્રેજ્યુએશન કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. કપલે આત્મહત્યા કરી છે કે પછી કોઈએ તેમને ઝેરી પદાર્થ ખવડાવી દીધો છે એની અમે તપાસ શરૂૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement