ગુજરાત યુનિવર્સિટી જ ઈન્ટર્નશિપની વ્યવસ્થા કરશે, કોલેજો પાસેથી વિદ્યાર્થીઓની યાદી મગાવી
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી આર્ટસ, કોમર્સ અને સાયન્સ સહિતની કોલેજોમાં પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે 120 કલાકની ઇન્ટર્નશીપ ફરજિયાત છે. લાંબા સમય સુધી ઇન્ટર્નશીપ અંગે કોઇ સ્પષ્ટતા ન થયા બાદ હવે યુનિવર્સિટી દ્વારા દરેક કોલેજો પાસેથી ઇન્ટર્નશીપ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા મંગાવીને આગામી દિવસોમાં ઇન્ડસ્ટ્રીઝ સાથે ટાઇઅપ કરવાની પ્રક્રિયા શરૂૂ કરી છે. આમ, યુનિવર્સિટી જ હવે વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપની વ્યવસ્થા કરશે તે નક્કી થઇ ગયું છે.
નવી એજ્યુકેશન પોલિસીમાં આર્ટસ, કોમર્સ કે સાયન્સ સહિતની કોઇપણ ફેકલ્ટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે બજારની વાસ્તવિક સ્થિતિ સમજી શકે તે માટે છેલ્લા સેમેસ્ટરમાં ખાસ ઇન્ટર્નશીપની જોગવાઇ કરવામાં આવી છે. એટલે કે સેમેસ્ટર 5 પાસ કરીને 6માં આવતાં વિદ્યાર્થીઓએ 120 કલાકની ઇન્ટર્નશીપ કરવી ફરજિયાત છે. કોમર્સના વિદ્યાર્થીઓએ સી.એ.,સી.એસ. કે અન્ય કોઇ ઉદ્યોગ-ધંધામાં જઇને આ કામગીરી કરવી પડશે. આ જ રીતે સાયન્સના વિદ્યાર્થીઓએ ફિઝિક્સ, કેમિસ્ટ્રી કે બાયોલોજીને લગતા ઉદ્યોગ કે એજન્સીમાં આ કામગીરી કરવાની રહેશે. જ્યારે આર્ટસના વિદ્યાર્થીઓએ પોતાના વિષય પ્રમાણે ઇન્ટર્નશીપ કરવી તેવું નક્કી કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનવર્સિટીમાં અત્યાર સુધી ઇન્ટર્નશીપ કોણ કરાવશે, કેવી રીતે કરવાની રહેશે, વિદ્યાર્થીઓએ જાતે ઇન્ટર્નશીપ કરવાની કે યુનિવર્સિટી કે કોલેજ વ્યવસ્થા કરશે તે સહિતના અનેક પ્રશ્નોને લઇને દ્વિધાભરી સ્થિત હતી.
તાજેતરમાં યુનિવર્સિટીમાં મળેલી બેઠકમાં દરેક ફેકલ્ટીના ડીનને ઇન્ટર્નશીપની વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. હાલમાં યુનિવર્સિટી દ્વારા જુદી જુદી કોલેજો પાસેથી કઇ ફેકલ્ટીમાં કેટલા વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ કરવાના છે તેની વિગતો મંગાવવામાં આવી રહી છે. આ ઉપરાંત કોઇ કોલેજ આર્ટસ, કોમર્સ કે સાયન્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે પોતાની રીતે ઇન્ટર્નશીપની વ્યવસ્થા કરવાની હોય તો તે જણાવવા પણ સૂચના આપવામાં આવી છે. સૂત્રો કહે છે કે હાલમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ સાથે ઇન્ટર્નશીપના મુદ્દે વાટાઘાટો કરવામાં આવી રહી છે. આ ઉપરાંત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા અટલ કલામ સેન્ટરમાં ચાલતી કેટલીક એજન્સીઓ સાથે પણ હાલ ચર્ચા કરવામાં આવી રહી છે.
આગામી દિવસોમાં ઇન્ડસ્ટ્રીઝ સાથે ટાઇઅપ થયા બાદ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ માટે એલોટમેન્ટ આપવાનું શરૂૂ કરવામાં આવશે. આમ, છેલ્લા કેટલાય સમયથી ઇન્ટર્નશીપને લઇને ચાલતી અટકળોનો અંત આવે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. યુનિવર્સિટી સાથે જોડાયેલી કોમર્સ કોલેજમાં સેમેસ્ટર 5 પાસ કરીને 6માં આવતાં વિદ્યાર્થીઓની અંદાજિત સંખ્યા 27 હજાર જેટલી છે.