ગુજરાતે વડાપ્રધાનને 1.11 કરોડ પોસ્ટકાર્ડ લખી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
ગુજરાતના સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા 1.11 કરોડથી વધુ લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનવા માટે પોસ્ટકાર્ડ લખીને એક નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને પગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ રેકગ્નિશન ફોર લાર્જેસ્ટ પોસ્ટકાર્ડ નંબર્સથ એનાયત કરવામાં આવ્યો. લોકોએ જીએસટી સુધારા તેમજ મેક ઇન ઇન્ડિયા અને હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી અભિયાન જેવા વિવિધ વિષયો પર પીએમ મોદીનો આભાર માનતા પોસ્ટકાર્ડ લખ્યા.
ગાંધીનગરમા સચિવ (સહકાર) સંદીપ કુમારે જણાવ્યું હતું કે આ દુનિયામાં પહેલીવાર છે કે કોઈ દેશના પીએમનો આભાર માનવા માટે આટલા બધા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓએ 14 ઓક્ટોબરે રેકોર્ડ આપ્યો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે પોસ્ટકાર્ડ લેખન ઝુંબેશ શરૂૂ કરવામાં આવી હતી, ત્યારે એવો અંદાજ હતો કે 75 લાખથી વધુ પોસ્ટકાર્ડ લખાશે. જોકે નાગરિકોએ આ આંકડો વટાવી દીધો અને રાજ્યમાંથી પીએમને 1.11 કરોડ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા.
કુમારે જણાવ્યું હતું કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડના ડેટા અનુસાર, પોસ્ટકાર્ડ લખવાનો અગાઉનો સૌથી મોટો વિશ્વ રેકોર્ડ સ્વિટ્ઝર્લેન્ડના બેસલમાં સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન (SDC ) - સેક્શન વોટર પાસે 6,666 પોસ્ટકાર્ડ સાથે હતો. આ રેકોર્ડ હવે ગુજરાતે વટાવી દીધો છે.