ગુજરાત વહેલી સવાર સુધી ગરબા વટથી રમ્યું, ગૃહમંત્રી હર્ષ સંઘવી
ખાણીપીણી પણ ચાલુ રહેતા વહેલી સવારે પણ કોઇ ભૂખ્યું ઘરે નથી ગયું
સુરત ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સંપન્ન થયેલી નવરાત્રિની ઉજવણી અંગે એક મોટું નિવેદન આપીને રાજ્યભરમાં થયેલી ભવ્ય ઉજવણીની સરાહના કરી હતી. મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, આ વર્ષે આખા ગુજરાતે વહેલી સવાર સુધી ગરબા રમ્યા અને તમામ ખેલૈયાઓ વટથી ગરબા રમ્યા હતા.
સરકારે નવરાત્રિ દરમિયાન મોડી રાત સુધી ગરબા રમવા અને ખાણી-પીણીના એકમો ચાલુ રાખવાની જે છૂટ આપી હતી, તેની સફળતા પર તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ નિર્ણયથી ગુજરાતની સાંસ્કૃતિક ભાવનાને પ્રોત્સાહન મળ્યું અને આર્થિક ગતિવિધિઓમાં પણ વધારો થયો. નવરાત્રિ દરમિયાન રાતે હોટલ ચાલુ રાખવાના મુદ્દે થોડો વિવાદ થયો હતો, જેના પર મંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વહેલી સવારે પાછા ઘરે જતા કોઈ ભૂખ્યું ઘરે ગયું નથી. આના પરથી સાબિત થાય છે કે, વહીવટી તંત્રના આયોજન પ્રમાણે દરેક હોટેલ ચાલુ રાખવામાં આવી હતી.
તેમનું આ નિવેદન એ વાતની ખાતરી આપે છે કે, સરકારે ખેલૈયાઓની સુવિધાને ધ્યાનમાં રાખીને તમામ જરૂૂરી વ્યવસ્થા કરી હતી, જેથી તેઓ મોડે સુધી ગરબાની મજા માણી શકે અને તેમને ખાવા-પીવાની કોઈ અગવડ ન પડે. સફળ અને સુરક્ષિત નવરાત્રિના આયોજનનો શ્રેય આપતા મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, લાખોની સંખ્યામાં લોકો વહેલી સવાર સુધી ગરબા રમ્યા હોવા છતાં, પોલીસે ઉત્તમ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી.