‘ગુજરાત મિરર’ ઇમ્પેકટ! શાસ્ત્રી મેદાનમાં તાબડતોબ સફાઇ શરૂ
કાટમાળના ઢગલા ઉપાડવા જેસીબી અને ડમ્પરો કામે લગાડાયા
તૂટેલા ગેટનું સમારકામ કરી 24 કલાક સિકયુરિટી મુકવા કલેકટરનો આદેશ
શહેરની શાન ગણાતા અને વચ્ચોવચ્ચ આવેલા કલેકટર હસ્તકના શાસ્ત્રી મેદાનમાં ગંદકીના ગંજ ખડકાઇ ગયા હતા અને ગ્રાઉન્ડની બદતર હાલત થઇ ગઇ હતી. શાસ્ત્રી મેદાનના પ્રવેશ દ્વાર પાસે જ કચરાના ઢગલા કરવામાં આવ્યો હતો અને મેદાન અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયો હોવાના અહેવાલ ‘ગુજરાત મિરર’ સાંધ્ય દૈનિકમાં પ્રસિધ્ધ થતા જ કલેકટર તંત્ર હરકતમાં આવ્યું હતું અને આજથી શાસ્ત્રી મેદાનમાં સાફ-સફાઇ કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કલેકટર તંત્રના આદેશ બાદ જેસીબી, ટ્રેકટર સહીતના વાહનોમાં કચરાનો નિકાલ કરવાની કામગીરી શરૂ થતા આસપાસના રહીશો અને ક્રિકેટ રમવા આવતા ખેલાડીઓમાં રાહત જોવા મળી રહી છે.
રાજકોટ શહેરના મધ્યમાં આવેલું શાસ્ત્રી મેદાન, જે જિલ્લા કલેકટર પ્રભાવ જોશીના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે, તે હાલમાં સામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનવાને બદલે અસામાજિક પ્રવૃત્તિઓ અને કચરાના ઢગલાઓનો અડ્ડો બની ગયું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમિરર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા એક અહેવાલમાં આ મેદાનની દયનીય સ્થિતિ ઉજાગર કરવામાં આવી હતી.
શાસ્ત્રી મેદાનમાં ઠેર ઠેર મોટા પ્રમાણમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત, બાંધકામની બિલ્ડિંગનો વ્યર્થ કચરો પણ મેદાનમાં ફેંકવામાં આવ્યો છે. મેદાનના ગેટ પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા, જે અસામાજિક તત્વોને સરળતાથી પ્રવેશવા દે છે.ગુજરાત મિરરના અહેવાલની ગંભીર નોંધ લેતા, રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશીએ તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા છે. તેમણે શાસ્ત્રી મેદાનની સત્વરે સાફ-સફાઈ કરવા, મેદાનમાં 24 કલાક સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવા, તૂટેલા ગેટનું સમારકામ કરવા, અને મેદાનના બંને ગેટ પર સિક્યુરિટી કેબિન બનાવવાનો આદેશ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ શાસ્ત્રીમેદાનની કમ્પાઉન્ડ વોલ ઉપર ફીટ કરવામાં આવેલી લાખો રૂપીયાની કિંમતની લોખંડની જાળી ચોરાઇ જવા પામી હતી ત્યારે પણ ભારે ઉહાપોહ થતા અને અખબારોમાં અહેવાલો પ્રસિધ્ધ થતા તંત્ર જાગ્યુ હતું ત્યારે પણ જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા હતા તેમજ શાસ્ત્રીમેદાનમાં સિકયુરીટી ગોઠવવાની જાહેરાત કરી હતી પરંતુ ત્યારબાદ આજ સુધી ચોરાયેલી જાળીનો પતો લાગ્યો નથી કે સિકયુરીટી પણ ગોઠવવામાં આવી નથી. આજે કલેકટરે ફરી તપાસનો આદેશ આપી ફરી સિકયુરીટી ગોઠવવાની જાહેરાત કરી છે.