‘ગુજરાત મિરર’ ઇમ્પેક્ટ: સિટી બસની એપ અપડેટ કરી શરૂ કરાઇ
રૂટ, સમયપત્રક, લાઇવ લોકેશન, અપ-ડાઉન, પાસનું વેલિડેશન અને ટિકિટ બુકિંગ મુસાફરો માટે સરળ બન્યું: નવા રૂટ પણ શરૂ કરાયા
રાજકોટ મહાનગરપાલિકામાં અને રાજપથ લી. દ્વારા સીટી બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં સીટી બસની એપ્લીકેશન અપડેટ નહીં હોવાનું અને બંધ હોવાથી મુસાફરોને તકલીફ પડતી હોવાનો અહેવાલ ગુજરાત મિરરમાં પ્રસિધ્ધ થતા આજે રાજપથ લી. દ્વારા સીટી બસની એપ્લિકેશન અપડેટ કરી અને ફરીથી શરૂ કરવામાં આવી છે અને કયા રૂટ પર કઇ બસ દોડાવવામાં આવે છે હોલ્ટ સહીતની માહિતી હવે એપ્લિકેશનમાં શહેરીજનો જોઇ શકશે.
રાજકોટ શહેરના લોકોને પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. (એસપીવી) દ્વારા કરવામાં આવી રહેલ છે. જે સબબ કુલ 72 રૂૂટ પર 100 સીએનજી તથા 99 ઇલે. એમ કુલ 199 બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. રાજકોટ રાજપથ લિ. દ્વારા તા.26-01-2025ના રોજ મોબાઈલ એપ્લીકેશન સેવા, રવિવારના રોજ અટલ સરોવર સુધી સ્પેશિયલ સિટી બસ સેવા અને ગોંડલ ચોક થી શાપર વેરાવળ શટલ સિટી બસ સેવા શરૂૂ કરવામાં આવી છે. તેમ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ જણાવ્યું હતું. મોબાઇલ એપ તથા રૂૂટ રેશનાલાઇઝેશન અંગેની કામગીરીમાં જર્મનીની એજન્સી GZ સાથે ભારત સરકારના આવાસ, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA), જર્મન ફેડરલ મિનિસ્ટ્રી ફોર ઇકોનોમિક કો-ઓપરેશન (BMZ) દ્વારા કમિશન્ડ કરાયેલ સસ્ટેનેબલ અર્બન મોબીલીટી, એર કવોલીટી, ’ક્લાઇમેટ એકશન અને એક્સેસિવીલીટી (SUM-ACA) સંબંધિત ક્ષેત્રના પ્રોજેક્ટની અમલવારી માટેનો ટેકનીકલ સહ્યોગ વિનામુલ્યે આપવામાં આવી રહેલ છે.
જેમાં મોબાઇલ એપ્લીકેશનમાં રૂટ, સમયપત્રક, જે લોકેશન પર ઉભા હોય ત્યાંથી અપ-ડાઉન થતી બસની વિગત, બસનું લાઇવ લોકેશન, પીરીયોડીક પાસનુ વેલીડેશન અને ટીકીટ બુકીંગ દર્શાવવામાં આવશે.તાજેતરમાં રાજકોટ સ્માર્ટ સિટી એરીયા ખાતે અટલ સરોવર ડેવલપમેન્ટ કરી કાર્યરત કરવામાં આવેલ છે.જેમાં રવિવારના રોજ સિટીના જુદા જુદા વિસ્તારોમાંથી શહેરીજનોને આવવા-જવા માટે રૂૂટ શરૂૂ કરવામાં આવેલ છે. જે સવારના 11 કલાક થી રાત્રીના 11 કલાક સુધી ચાલુ કરવામાં આવેલ છે. જેમાં ત્રિકોણબાગ, ગોંડલ ચોક, આજી ડેમ, ગ્રીનલેન્ડ ચોક અને કોઠારીયા ગામથી અટલ સરોવરને બસ મળી રહેશે. રાજકોટથી ડેઇલી અંદાજીત 25,000 થી વધુ મધ્યમ/કામદાર વર્ગ લોકો રાજકોટ થી શાપર વેરાવળ બાજુ અપ ડાઉન કરે છે. જેને ધ્યાને લેતા દર 15 મીનીટના અંતરે સિટી બસ સેવામાં ગોંડલ ચોક થી શાપર વેરાવળ શટલ રૂૂટ ચાલુ કરવામાં આવેલ છે. જે સવારના 6:30 કલાક થી રાત્રીના 8:30 કલાક સુધી બસ સેવા મળી રહેશે.