ઉપરાષ્ટ્રપતિ પદની રેસમાં ગુજરાતના રાજ્યપાલનું નામ જોડાયું
ધનખડના સ્થાને બીજા જાટ નેતા આચાર્ય દેવવ્રત ઉપર ભાજપની નજર
જગદીપ ધનખડના રાજીનામા બાદથી, આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે તે અંગે ઘણી ચર્ચા થઈ રહી છે? ભારતીય ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે તૈયારીઓ શરૂૂ કરી દીધી છે અને રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરી છે અને મતદાનની તારીખ પણ જાહેર કરી છે. પરંતુ, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે શાસક પક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કોણ હશે.
ભારતીય જનતા પાર્ટી (BJP) એ હજુ સુધી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીએ આ મુદ્દા પર વિચાર-વિમર્શ શરૂૂ કરી દીધો છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપ જાટ જગદીપ ધનખરને બદલે જાટ નેતાને મેદાનમાં ઉતારી શકે છે. જો ઉમેદવારની પસંદગીમાં જાટ સમુદાયની લાગણીઓને પ્રાથમિકતા આપવામાં આવે તો ભાજપ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને તક આપી શકે છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મૂદત પણ પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે હવે ઉપરાષ્ટ્રપતિના રાજીનામાથી પડેલી ખાલી જગ્યા પર ભાજપ તેમને તક આપી શકે છે.
સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે અચાનક ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપનાર જગદીપ ધનખડ રાજસ્થાનના જાટ સમુદાયમાંથી આવે છે. આચાર્ય દેવવ્રત પણ જાટ સમુદાયના છે અને હરિયાણાથી આવે છે.
હરિયાણામાં પણ જાટ સમુદાયે લાંબા સમયથી જનાદેશ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આચાર્ય દેવવ્રતનો જન્મ 18 જાન્યુઆરી 1959 ના રોજ પંજાબ (હવે હરિયાણા) ના સમાલખામાં થયો હતો. તેઓ આર્ય સમાજના ઉપદેશક છે અને હરિયાણાના કુરુક્ષેત્રમાં એક ગુરુકુળના આચાર્ય તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
તેમની પાસે હિન્દી અને ઇતિહાસમાં અનુસ્નાતક ડિગ્રી છે. આ સાથે, તેમણે યોગ વિજ્ઞાનમાં ડિપ્લોમા અને નેચરોપેથી અને યોગિક વિજ્ઞાનમાં ડોક્ટરેટ પણ મેળવ્યું છે. તેઓ કુદરતી ખેતી, પર્યાવરણીય સંરક્ષણ, સ્વચ્છતા અને ક્ધયા શિક્ષણને પ્રોત્સાહન આપવા જેવા સામાજિક કાર્ય સાથે પણ સંકળાયેલા છે. આચાર્ય દેવવ્રત હાલમાં ગુજરાતના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે 22 જુલાઈ 2019ના રોજ આ પદ સંભાળ્યું હતું.
ચૂંટણી પંચે 1 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો. ચૂંટણી પંચ અનુસાર, ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન 9 સપ્ટેમ્બરે થશે અને પરિણામ પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, ચૂંટણી માટે સત્તાવાર સૂચના 7 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવશે. આ પછી, રસ ધરાવતા ઉમેદવારો 21 ઓગસ્ટ સુધીમાં પોતાનું નામાંકન દાખલ કરી શકશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 22 ઓગસ્ટના રોજ કરવામાં આવશે.