ગુજરાત સરકાર દ્વારા બજેટની તૈયારી શરૂ
નાણા વિભાગે તમામ વિભાગોને એક પાનાનો વિગતવાર પત્ર મોકલ્યો
આવક-ખર્ચના અંદાજો 15 ઓકટોબર સુધીમાં રજૂ કરી દેવા સૂચના
ગુજરાત રાજ્ય સરકારે આગામી વર્ષ 2026-27 ના વાર્ષિક બજેટની તૈયારીઓનું વિધિવત પ્રારંભ કરી દીધું છે. રાજ્યના નાણાં વિભાગે આ અંગે એક 52 પાનાનો વિગતવાર પત્ર તમામ વિભાગોને મોકલીને બજેટની કામગીરી શરૂૂ કરવા માટે સૂચનાઓ આપી છે. આ પ્રક્રિયાના ભાગરૂૂપે દરેક વિભાગે તેમની આવક અને ખર્ચના અંદાજોને નિયત સમય મર્યાદામાં નાણાં વિભાગ સમક્ષ રજૂ કરવાના રહેશે. બજેટની તૈયારીઓ વહેલી શરૂૂ કરવા પાછળનો હેતુ નાણાકીય આયોજનને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવાનો છે.
નાણાં વિભાગ દ્વારા તમામ સરકારી વિભાગોને કડક સમય મર્યાદા આપવામાં આવી છે. વિભાગોએ તેમના આવક અને ખર્ચના અંદાજો આગામી 15 ઓક્ટોબર સુધીમાં રજૂ કરવા પડશે. આ ઉપરાંત, વિભાગોએ વર્ષ 2025-26 માટેના સુધારેલા મહેસૂલી અને મૂડી ખર્ચના અંદાજો પણ 15 ડિસેમ્બર સુધીમાં સોંપવાના રહેશે. નાણાં વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે નિયત સમય મર્યાદામાં જ તમામ માહિતી પૂરી પાડવામાં આવે, જેથી સમગ્ર બજેટ પ્રક્રિયા સમયસર અને ભૂલમુક્ત રીતે પૂર્ણ થઈ શકે.
આ વખતના બજેટની તૈયારીઓમાં નાણાં વિભાગે એક મહત્વનો અને કડક નિર્ણય લીધો છે. જે બાબતોમાં છેલ્લા ત્રણ વર્ષથી બજેટમાં જોગવાઈ કરવામાં આવી હોય, પરંતુ તે જોગવાઈ હેઠળ કોઈ ખર્ચ ન થયો હોય (નો-એક્સપેન્સ કેસો), તેવા કિસ્સાઓને નવા બજેટ (2026-27) માં સમાવેશ ન કરવાની સૂચના આપવામાં આવી છે. આ પગલું બજેટને વધુ વ્યવહારુ અને ખર્ચ આધારિત બનાવશે, તેમજ બિનજરૂૂરી જોગવાઈઓ કે જેનો ઉપયોગ થતો નથી તેને દૂર કરીને નાણાકીય સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવા પર ભાર મૂકશે.