ગુજરાત શિક્ષણ બોર્ડનો મોટો છબરડો, ધો.10નું પેપર ધુળેટીના દિવસે રાખી દીધું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો વધુ એક છબરડો સામે આવ્યો છે. ધોરણ 10 અને બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર રજા જોયા વગર જ જાહેર કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 4 માર્ચે ધૂળેટી હોવા છતાં બોર્ડની પરીક્ષાનું પેપર ગોઠવવામાં આવ્યું છે. 4 માર્ચે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું પેપર રાખવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઈતિહાસ, અર્થશાસ્ત્ર, નામાના મૂળતત્વોનું બોર્ડનું પેપર રાખવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4 માર્ચે જીવ વિજ્ઞાનનું પેપર લેવાનું ટાઇમેટેબલ જાહેર કરવામાં આવ્યું છે.
ધૂળેટીની જાહેર રજાના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા છે. રંગોના તહેવારના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓને વાલીઓ ચિંતામાં મુકાયા છે. જો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પહેલી વખત આ પ્રકારની ભૂલ નથી કરવામાં આવી. અગાઉ પણ વર્ષ 2023માં ચેટી ચાંદના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ રજિઆંતના આધારે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેથી આ વર્ષે પણ ધુળેટીના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતા હવે તેમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે.