ગુજરાત બાર કાઉન્સિલ વન નેશન-વન ઇલેક્શનનો ઠરાવ પસાર
દેશમાં વન નેશન, વન ઇલકેશનનો મુદ્દો રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ત્યારે ગુજરાત બાર કાઉન્સીલના જનરલ બોર્ડમાં વિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે બહુમતીના જોરે વન નેશન-વન ઇલેક્શન અંગેનો વિધિવત્ ઠરાવ પસાર કરી દેવાયો હતો. આ સાથે જ ગુજરાત બાર કાઉન્સીલ વન નેશન વન ઇલેકશન ઠરાવ પસાર કરનારી દેશમાં સૌથી પહેલી બાર કાઉન્સીલ બની છે. બીજી બાજુ, ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા ખૂબ જ મહત્વનો એવો આ વન નેશન વન ઈલેકશનને ઠરાવ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને મોકલી અપાયો હતો અને વન નેશન વન ઇલેકશનની ઝુંબેશને સમર્થન જાહરે કરી રાષ્ટ્રહિતમાં તેને લાગુ કરવા અનુરોધ કરાયો હતો.
બીજી બાજુ, તાજેતરમાં વકીલોના ઐતિહાસિક શપથ ગ્રહણના યોજાયેલા કાર્યક્રમના ખર્ચાને લઈ વિપક્ષી સભ્યોએ ઉઠાવેલા ગંભીર સવાલો સામે ખુદ ચેરમેન જે.જે.પટેલે આજે જનરલ બોર્ડમાં હિસાબો રજૂ કરતાં વિપક્ષને મોં પર ચોપડાવ્યું હતું કે, આ કાર્યક્રમનો એક પણ રૂૂપિયાનો ખર્ચો બાર કાઉન્સીલમાં નથી નાંખ્યો અને ઉલ્ટાના કાર્યક્રમના ખર્ચામાંથી બચેલા રૂૂ.15.83 લાખ બાર કાઉન્સીલમાં જમા કરાવવામાં આવે છે. હિસાબો રજૂ થતાં જ વિપક્ષના સભ્યો કંઇ બોલી શકવાની સ્થિતિમાં રહ્યા ન હતા.
આજે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલ, ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા સહિતના હોદોદારોની આગેવાની હેઠળ બાર કાઉન્સીલની જનરલ બોર્ડની બહુ મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં મુખ્ય એજન્ડા વન નેશન વન ઇલેકશનના ઠરાવને પસાર કરવાનો હતો. પરંતુ વિપક્ષના ત્રણ સભ્યોએ આ ઠરાવ પસાર કરવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને કોઇપણ ભોગે આ ઠરાવ પસાર નહી કરવા માંગણી કરી હતી. વિપક્ષી સભ્યોએ 17 પાનાનો લેખિત વિરોધ બોર્ડમાં રજૂ કર્યો હતો અને આ પ્રકારની સીસ્ટમ દેશમાં અમલી બને તો તેની ઘાતક અસરો અને પરિણામો પરત્વે ધ્યાન દોરી આ ઠરાવ પડતો મૂકવા માંગણી કરી હતી.
જો કે, આ તબક્કે ચેરમેન જે. જે. પટેલે જણાવ્યું હતું કે, વન નેશન વન ઇલેકશન સીસ્ટમ રાષ્ટ્રના હિતમાં ખાસ કરીને દેશના નાગરિકોના હિતમાં હોવાની સાથે સાથે દેશના વિકાસમાં તે ક્રાંતિકાર સાબિત થાય તેમ હોઈ આવા બિનજરૃરી અને વાહિયાત વિરોધ થકી રોડા નાંખવાનું વિપક્ષે બંધ કરવું જોઈએ આમ કહી વિપક્ષના વિરોધને ફગાવ્યો હતો. બોર્ડમાં હાજર રહેલા વાઇસ ચેરમેન એમ. સી. કામદાર, ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા, દિપેન દવે, ભરત ભગત સહિતના 17 બહુમતી સભ્યોએ પણ ચેરમેનની વાતને સમર્થન આપ્યું હતુ અને વન નેશન વન ઇલેકશન ઠરાવ પસાર કરવાની ઉગ્ર માંગણી કરતાં જણાવ્યું હતું કે, વન નેશન વન ઇલેકશન પધ્ધતિ દેશમાં અમલી બને તો સમય, પૈસો અને માનવશકિત બચશે. દેશને સ્થિરતા, વિકાસ, સુશાસન સહિતના અનેક ફાયદાઓ પણ પ્રાપ્ય બનશે. આમ, બંને પક્ષે પોતપોતાની માંગણીને લઇ શાબ્દિક ચકમક વચ્ચે થોડી ક્ષણ માટે વાતાવરણ ગરમાયુ હતું અને આખરે બહુમતી સભ્યોના જોરે વન નેશન વન ઇલેકશનનો ઠરાવ વિધિવત્ રીતે પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવ પસાર કરાયા બાદ તાબડતોબ તે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને સુપ્રત અર્થે મોકલી અપાયો હતો.