ગુજરાત ATSએ કરી મોટી કાર્યવાહી: અલ-કાયદા સાથે જોડાયેલા ચાર લોકોની કરી ધરપકડ
ગુજરાત ATSને આજે મોટી સફળતા મળી છે. ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ અલકાયદા સાથે જોડાયેલી ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતની અને બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું છે. ચારેય લોકો કનેક્ટેડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હોવાનું સામે આવ્યું છે. આ ચારેય વ્યક્તિઓની ધરપકડ કરીને ગુજરાતની ATS તેમની સઘન પૂછપરછ કરી રહી છે.
ગુજરાત ATSપાસેથી મળતી માહિતી અનુસાર આ ચારેય વ્યક્તિ ઘણા સમયથી અલકાયદાના મોડલથી કનેક્ટ હતા. તેઓ સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મથી અલકાયદાના સંપર્કમાં આવ્યા હતા. આ ચારેય વ્યક્તિ અલ-કાયદાની કટ્ટરવાદી વિચારધારાનો પ્રચાર કરી રહ્યા હતા. અને ગુપ્ત રીતે પોતાની ગતિવિધિઓ ચલાવી રહ્યા હતા. ગુજરાત ATSને આ અંગે ગુપ્ત બાતમી મળી હતી, જેના આધારે લાંબી તપાસ અને ઓપરેશન હાથ ધરીને તેમની ધરપકડ કરવામાં આવી.
ધરપકડ બાદ ગુજરાત ATS તેમની સઘન પૂછપરછ કરી રહી છે. તપાસ દરમિયાન, ATSને કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને ઘણી ચેટ્સ પણ મળી છે, એ દિશામાં પણ હવે નવી તપાસ કરવામાં આવી રહી છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ લોકો ઓટો-ડિલીટ થઈ જતી એપ્લિકેશન્સનો ઉપયોગ કરતા હતા જેથી તેમની વાતચીતનો કોઈ રેકોર્ડ ન રહે.