ગુજરાતે માત્ર 7 મહિનામાં 7.5 ગીગાવોટ રિન્યુએબલ ઉર્જા ઉમેરી
દેશના ટોચના ત્રણ રાજયોમાં સ્થાન મેળવ્યું, કુલ ક્ષમતા 40.69 ગીગાવોટે પહોંચી
ગુજરાતે 2025ના એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન રેકોર્ડબ્રેક 7.5 ગીગાવોટ (GW) નવી રિન્યુએબલ ઊર્જા ક્ષમતા ઉમેરીને દેશમાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાવી છે. કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE)ના ડેટા અનુસાર, રાજ્યની કુલ રિન્યુએબલ ક્ષમતા 31 માર્ચ 2025ના 33.3 ગીગાવોટથી વધીને 31 ઓક્ટોબર 2025 સુધીમાં 40.69 ગીગાવોટ થઈ ગઈ છે આમાં 24.14 ગીગાવોટ સૌર ઊર્જા અને 14.49 ગીગાવોટ પવન ઊર્જાનો સમાવેશ થાય છે. આ વૃદ્ધિ મુખ્યત્વે મોટા પાયાના સોલાર પાર્ક (ખાસ કરીને ખાવડા) અને પવન ઊર્જા પ્રોજેક્ટ્સને કારણે થઈ છે. આ સિધ્ધીથી ગુજરાતે દેશના ટોચના 3 રાજયોમા સ્થાન મેળવ્યુ છે.
મુખ્ય કારણોમા ઝડપી પ્રોજેક્ટ મંજૂરીઓ અને જમીન સંપાદન ઉપરાંત હાઇબ્રિડ પાર્કમાં ઝડપી જમીન પૂલિંગ અને ગ્રીડ કનેક્ટિવિટી અને ઇવેક્યુએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો સહીતની બાબતોનો સમાવેશ થાય છે
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર 2030 સુધી 100 ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા ક્ષમતાના લક્ષ્ય માટે સખત મહેનત કરી રહી છે. જમીન કે ગ્રીડ કનેક્ટિવિટીની સમસ્યાઓ હોય તો તુરંત ઉકેલી લેવામાં આવે છે. હવે હાઇડ્રો, ટાઇડલ અને પમ્પ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ માટે પણ નવી નીતિઓ તૈયાર થઈ રહી છે.
આ સાત મહિનામાં નવીનીકરણીય ઊર્જા ઉત્પાદન પણ 30% વધ્યું છે ગયા વર્ષના 31.12 મિલિયન યુનિટથી વધીને આ વર્ષે 41.17 મિલિયન યુનિટ થયું છે. ઉદ્યોગ નિષ્ણાત જયદીપ માલવિયાએ કહ્યું કે, ALMM સેલ્સની સૂચના આવતાંની સાથે જ આ ક્ષેત્રમાં પૂર્ણ વિકાસ થશે. હાલમાં જ બજાર ઝડપથી આગળ વધી રહ્યું છે અને રોકાણકારોનો વિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે.
આસોચેમ ગુજરાત કાઉન્સિલના RE કમિટી ચેરમેન કુંજ શાહે જણાવ્યું કે, ખાવડામાં મોટા પ્રોજેક્ટ્સ ગયા 6-8 મહિનામાં ચાલુ થયા છે. GUVNLના ઓનલાઇન પોર્ટલ દ્વારા અરજીઓની ઝડપી મંજૂરીએ પણ ઘણી મદદ કરી છે. આ સિદ્ધિથી ગુજરાત દેશમાં નવી નવીનીકરણીય ક્ષમતા ઉમેરવામાં ટોચના ત્રણ રાજ્યોમાં સ્થાન ધરાવે છે.