હાર્ટએટેકની વધતી ચિંતા: વધુ ત્રણ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઇ
- રાજકોટમાં ચાલુ ફરજે સ્કૂલના ચોકીદાર અને ઉંબરે ઉભેલા પ્રૌઢા તેમજ જસદણના રામળિયામાં આધેડનું હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં વધુ ત્રણ વ્યક્તિના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં રાજકોટમાં ચાલુ નોકરી ઉપર રહેલા સ્કૂલના ચોકીદાર અને ઉમરે ઉભેલા પ્રોઢા તેમજ જસદણના રામળીયા ગામે આધેડને આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નિવડતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટની ભાગોળે આવેલા માધાપર ગામે સિંધોઈનગરમાં રહેતા હમીરભાઇ રામભાઈ સિંધવ નામના 61 વર્ષના વૃદ્ધ માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે આવેલી ધ વેસ્ટવુડ સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમને રાત્રીના કોઈ સમયે હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા.
સવારે સ્કૂલ બસના ચાલક સ્કૂલમાં બસ લેવા જતા હમીરભાઇ સિંધવ બેભાન હાલતમાં પડ્યા હોવાનું ધ્યાન પર આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક હમીરભાઇ સિંધવ ચાર ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે હમીરભાઇ સિંધવ છેલ્લા છ વર્ષથી ધ વેસ્ટવુડ સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેમનું હૃદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર આવેલી કિરણ સોસાયટીમાં રહેતા ગીતાબેન પ્રવીણભાઈ ગઢવી નામના 55 વર્ષના પ્રોઢા રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે ઉમરેથી ગબડી પડ્યા હતા. પ્રોઢાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રોઢાને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. મૃતક ગીતાબેનના માવતરે ગીતાબેન ગઢવીને મારી નાખી હોવાનો આક્ષેપ કર્યો હતો જ્યારે પોલીસે ગીતાબેન ગઢવીનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું ગીતાબેનના માવતર પક્ષના આક્ષેપને પગલે ગીતાબેન ગઢવીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અન્ય ત્રીજા બનાવમાં જસદણ તાલુકાના રામળીયા ગામે રહેતા આમરાભાઈ રામાભાઈ મકવાણા નામના 55 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. અમરાભાઈ મકવાણાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં અમરાભાઈ મકવાણાને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.