જસદણ પંથકમાં ખેતરોમાં વાવેલી મગફળી સેટેલાઈટ ઈમેજમાં ગાયબ, રજિસ્ટ્રેશન રદ
જસદણ પંથકમાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈ-સમૃદ્ધ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવનારા મોટી સંખ્યામાં ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, તેમના ખેતરમાં મગફળીનો પાક ઉભો હોવા છતાં સેટેલાઇટ ઇમેજમાં પાક ન દેખાતા તેમના રજિસ્ટ્રેશન રદ થયા છે.
મગફળીના ટેકાના ભાવે વેચાણ માટે સરકારે જાહેર કરેલા નિયમોમાં હવે 80 હજાર ખેડૂતોએ જાતે પરીક્ષા આપવી પડશે અને સાબિત કરવું પડશે કે ખેતરમાં મગફળી હતી, આ માટે 80 હજાર ખેડૂતોનું એક જિલ્લા પ્રમાણે એક લિસ્ટ બન્યું છે. જે ખેતીવાડી અધિકારીઓને પહોંચાડી દેવાયું છે આ સિવાય ખેડૂતોને પણ મેસેજ કરાયા છે.
ઘણા ખેડૂતોની બુમરાણ છે કે તેમને પ્રોસેસ સંપૂર્ણ કરી હોવા છતાં રજિસ્ટ્રેશન ફેલના મેસેજ આવ્યા છે.
ગુજરાતમાં ખરીફ સિઝનમાં બીજા નંબરના ખરીફ પાક મગફળીના ભાવ બજારમાં ટેકાથી પણ નીચા છે. ખેડૂતો મગફળીનું વેચાણ ટેકાના ભાવે કરવા માટે પડાપડી કરી રહ્યાં છે. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે આ વર્ષે નિયમો કડક બનાવ્યા છે.
જેને પગલે પ્રથમ રાઉન્ડમાં 80 હજાર ખેડૂતોના રજિસ્ટ્રેશન ફેલ ગયા છે. ગુજરાતમાં 40થી 50 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાના અંદાજો મૂકાયા છે. ચાલુ ખરીફ સીઝનમાં મગફળી માટે નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર થયેલ નોંધણીમાં ખેડૂતોએ મગફળી પાક દર્શાવેલ સર્વે નંબરમાં ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઈટ ઈમેજ આધારિત વાવેતર સાથે વેરીફીકેશન કરવામાં આવી રહ્યું છે.