માવઠાની અસરથી મગફળી ઉત્પાદન 15% સુધી ઘટશે
મગફળીનું વાવેતર સૌથી વધારે હોવા છતાં કમોસમી વરસાદે ગણતરીઓ બગાડી: પાકને સીધી અસર
રાજકોટ જિલ્લામાં આ વર્ષે મગફળીનું વાવેતર ગત વર્ષ કરતાં વધ્યું છે, પરંતુ કમોસમી વરસાદ અને નીચા ભાવને કારણે ખેડૂતો ચિંતિત છે. રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગના આંકડા અનુસાર ગતવર્ષે રાજકોટ જિલ્લામાં 2,68,000 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 3,29,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. શરૂૂઆતમાં 9 થી 10 લાખ ટન ઉત્પાદનનો અંદાજ હતો, પરંતુ કમોસમી વરસાદ અને ભેજવાળા વાતાવરણને કારણે હવે ઉત્પાદન 10 થી 15 ટકા ઓછું થવાની આશંકા છે. વરસાદના કારણે પાકને સીધી અસર થતાં બજારમાં પણ આવક ઘટવાની શક્યતા છે.
રાજકોટ જિલ્લાનાં ખેતીવાડી અધિકારી તૃપ્તિબેન પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ગતવર્ષે 2,68,000 જેટલા વિસ્તારમાં મગફળીનું વાવેતર હતું અને આ વર્ષે 3,29,000 જેટલા વિસ્તારમાં મગફળી પાકનું વાવેતર થયું છે. વાવેતર વધવાના મુખ્ય કારણો જોઈએ તો આપણે રાજકોટમાં કપાસ અને મગફળીનું વાવેતર હોય છે, તેમાં જે કપાસનાં વાવેતર વિસ્તારમાં થોડો ઘટાડો થયો છે, એ એરિયા મગફળીમાં શિફ્ટ થયો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સામાન્ય રીતે મગફળી પાકમાં સારું ઉત્પાદન ખેડૂતોને મળી રહે છે અને કપાસમાં એવું થાય છે કે તે લાંબાગાળાનો પાક છે, તો ખેડૂતો એ કાઢીને પછી બીજો કોઈ પાક વાવવો હોય તો વાવી શકાતો નથી એના બદલે જ્યારે મગફળી હોય તો ઘઉં કે ચણા જેવા પાક એ લોકો વાવી શકે છે. એટલે મગફળીના પાકમાં મેઈન તો વધારો થયો છે. હાલ તો માવઠાનાં કારણે ક્યાં કેટલું નુકસાન થયું છે તેનો સર્વે ચાલુ છે. ખેડૂતોને પણ તેમનો પાક સલામત જગ્યાએ શિફ્ટ કરવાની અપીલ તેમણે કરી છે. બીજીતરફ રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાના જણાવ્યા અનુસાર, હાલ યાર્ડમાં ટોકન સિસ્ટમ શરૂૂ કરીને ચાલુ વરસાદમાં પણ સોયાબીન અને મગફળીની આવક મંગાવવામાં આવી રહી છે. જેમાં મગફળીના સોદાના ભાવ હાલ 1100 થી 1200 રૂૂ. પ્રતિ 20 કિલો બોલાઈ રહ્યા છે. યાર્ડમાં 15 વિઘાનો મોટો શેડ ઉપલબ્ધ હોવાથી આવક ચાલુ રાખી શકાય છે. યાર્ડના આંકડાઓ મુજબ આ વર્ષે 20 કિલો મગફળીનો નીચામાં નીચો ભાવ 700 રૂૂ. આસપાસ અને ઊંચામાં ઊંચો ભાવ 1300 રૂૂ. આસપાસ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ખેડૂતોનું કહેવું છે કે તેમને મગફળીના ભાવ 1300 થી 1400 રૂૂ. મળવા જોઈએ, પરંતુ હાલમાં તેમને માત્ર 1150 રૂૂ. આસપાસ ભાવ મળી રહ્યા છે. જો કે આગામી સમયમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂૂ થશે અને જેમ જેમ ડિમાન્ડ વધશે તેમ તેમ ખેડૂતોને સારા ભાવ મળે તેવી શક્યતા છે. કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનનો ચોક્કસ અંદાજ સરકાર દ્વારા હાલમાં મેળવાઈ રહ્યો છે. ત્યારે સરકાર અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને સહાય આપે છે કે નહીં તે જોવું મહત્વનું બની રહેશે.