રેકોર્ડ બ્રેક 22 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર, 66 લાખ ટન ઉત્પાદનનો અંદાજ
ગત વર્ષે 8,295 કરોડની 12.22 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદાઇ, દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 50 ટકાથી વધુ
મગફળી પાક છેલ્લા ઘણા વર્ષોથી ભારત અને ગુજરાતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતા ટોચના દેશોમાં ભારતે અગ્રીમ હરોળમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. ત્યારે ભારતના કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો આજે 50 ટકાથી પણ વધુ છે. મગફળી વાવેતર અને ઉત્પાદન ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો આ વર્ષે પણ યથાવત છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યમાં મગફળીના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2018-19માં રાજ્યમાં કુલ 15.94 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું હતું. જેની સામે ચાલુ વર્ષે મગફળીના સમાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ 25 ટકાના વધારા સાથે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 22 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે.
તેવી જ રીતે રાજ્યમા મગફળીનું ઉત્પાદન પણ વર્ષ 2018-19માં 22 લાખ મેટ્રિક ટનથી વધુ નોંધાયું હતું, ગત વર્ષ 2024-25માં 30 લાખ મેટ્રિક ટનના વધારા સાથે કુલ 52.20 લાખ મેટ્રિક ટન નોંધાયું હતું. આ વર્ષે ગુજરાતનું મગફળી ઉત્પાદન વર્ષ 2018-19ની સરખામણીએ ત્રણ ગણા વધારા સાથે રાજ્યના ઇતિહાસનું સૌથી વધુ 66 લાખ મેટ્રિક ટન થવાનો પ્રાથમિક અંદાજ છે.
ગત વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં થયેલા મગફળીના પુષ્કળ ઉત્પાદનના પગલે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની અત્યાર સુધી સૌથી રેકોર્ડબ્રેક ખરીદી કરી હતી. જેમાં રાજ્યના 3.67 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂૂ. 8,295 કરોડના મૂલ્યની કુલ 12.22 લાખ મેટ્રિક ટન મગફળીની બમ્પર ખરીદી કરવામાં આવી હતી. આ વર્ષે પણ ખેડૂતો પાસેથી પૂરતી માત્રામાં મગફળીની ખરીદી કરવામા આવશે તેમ તેમણે કહ્યું હતું.
દેશમાં કપાસનું ઉત્પાદન 312.40 લાખ ગાંસળી થવાનો પ્રાથમિક અંદાજ
કપાસનું ઉત્પાદન 30 સપ્ટેમ્બરે પૂરી થઈ રહેલી ચાલુ સિઝન 2024-25માં ઘટીને 312.40 લાખ ગાંસડી થશે તેવો અંદાજ છે. કપાસ ઉત્પાદક મોટાભાગના રાજ્યોમાં ઉત્પાદન ઘટ્યું છે. કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (CAI ) એ કહ્યું છે કે અગાઉની સિઝન 2023-24 મા કપાસનું 336.45 લાખ ગાંસડી ઉત્પાદન થયું હતું. એક ગાંસડી એટલે 170 કિલોગ્રામ થાય છે. ઓગસ્ટ મહિના સુધી કપાસનો કુલ સપ્લાય 383.03 લાખ ગાંસડી થયો હતો, જેમાં સ્થાનિક ઉત્પાદન 307.09 લાખ ગાંસડી, 36.75 લાખ ગાંસડીની આયાત અને 39.19 લાખ ગાંસડીના ઓપનિંગ સ્ટોકનો સમાવેશ થાય છે. એસોસિએશને કહ્યું છે કે ઓગસ્ટ સુધીમાં દેશમાં 286 લાખ ગાંસડી કપાસનો વપરાશ થયો હતો જ્યારે 17 લાખ ગાંસડીની નિકાસ થઈ હતી. ઓગસ્ટના અંતે 80.03 લાખ ગાંસડીનો સ્ટોક રહ્યો છે, જેમાં 35 લાખ ગાંસડી ટેક્સટાઈલ મિલો પાસે અને બાકી 45.03 લાખ ગાંસડી કપાસ કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI ) , મહારાષ્ટ્ર ફેડરેશન એન્ડ અન્ય (એમએનસી, ટ્રેડર્સ, જીનર્સ, નિકાસકારો) પાસે છે. એસોસિએશનના અંદાજ અનુસાર કોટનનો કુલ સપ્લાય સપ્ટેમ્બરના અંત સુધીમાં 392.59 લાખ ગાંસડી થશે, જે ગત વર્ષે આ ગાળામાં 389.59 લાખ ગાંસડી હતો. કુલ 41 લાખ ગાંસડી કપાસની આયાત કરવામાં આવી છે. સ્થાનિક વપરાશ 314 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે જે અગાઉ પણ તેણે એટલો જ અંદાજ આપ્યો હતો.