For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લીલી પરિક્રમા રદ થવાની શકયતા, 31મીએ નિર્ણય લેવાશે

10:49 AM Oct 30, 2025 IST | admin
લીલી પરિક્રમા રદ થવાની શકયતા  31મીએ નિર્ણય લેવાશે

વાતાવરણમાં ઉઘાડ થશે તો તંત્ર દ્વારા રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરાશે, ઉતારા મંડળો અને અન્નક્ષેત્રોને હાલ જંગલમાં પ્રવેશ પર મનાઇ

Advertisement

જુનાગઢમાં 2 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો સત્તાવાર પ્રારંભ થવાનો છે, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી પડેલા કમોસમી વરસાદે આ આયોજન પર મોટું સંકટ ઊભું કર્યું છે. તોફાની વરસાદના કારણે 36 કિમીનો પરિક્રમા રૂૂટ ધોવાઈ ગયો છે અને અનેક જગ્યાએ રસ્તાઓ પર અતિશય કીચડ જામી જતાં તે જોખમી બન્યો છે.

જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, હાલ જંગલના રસ્તા પર વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી, તેથી તમામ યાત્રાળુઓ તેમજ અન્નક્ષેત્ર અને ઉતારા મંડળને રૂૂટ પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. તંત્રએ સ્પષ્ટ અપીલ કરી છે કે, જ્યાં સુધી લીલીઝંડી ન મળે ત્યાં સુધી પ્રવેશ ન કરવો, અને સુરક્ષાના હેતુથી વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોને પરિક્રમામાં ન આવવા જણાવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા વરસાદ વિરામ લેતાની સાથે જ તાત્કાલિક ધોરણે રસ્તાની મરામત શરૂૂ કરાશે, પરંતુ પરિક્રમા અંગેનો અંતિમ નિર્ણય 31 ઓક્ટોબરના રોજ વાતાવરણની સમીક્ષા કર્યા બાદ લેવામાં આવશે.

Advertisement

ગિરનારની લીલી પરિક્રમામાં ભજન, ભક્તિ અને ભોજનનો સંગમ જોવા મળતો હોય છે. દર વર્ષે પરિક્રમા માટે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોઈ, તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ જૂનાગઢ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી પડેલા કમોસમી વરસાદના કારણે પરિક્રમાનો 36 કિમીનો રૂૂટ ધોવાઈ જતાં અનેક જગ્યાએ રસ્તાઓ જોખમી બન્યા છે.

વન વિભાગના અધિકારીના મતે ભારે વરસાદને કારણે પરિક્રમાનો રૂૂટ ધોવાઈ જતાં અંદર ભારે વાહનો જઈ શકે એમ નથી. જો વાહનો લઈ જવામાં આવે તો ફસાઈ જવાની સંભાવના છે અને એને બહાર કાઢવા મુશ્કેલ થશે. પરિક્રમા શરૂૂ થાય એ પહેલા અન્નક્ષેત્ર ચલાવતા લોકો વ્યવસ્થા માટે અંદર જતા હોય છે, પરંતુ હાલ તેમને જ્યાં સુધી તંત્ર તરફથી લીલી ઝંડી ન મળે ત્યાં સુધી અંદર ન જવા અપીલ કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ગિરનારની પરિક્રમા રૂૂટના રસ્તાઓનું ધોવાણ થયું છે. હાલમાં જંગલના રસ્તાઓ પર અતિશય કીચડ થઈ ગયો હોવાથી ત્યાં જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી અને વાહનો ફસાઈ શકે છે. આ સુરક્ષાના કારણોસર, વહીવટી તંત્રએ જાહેર જનતા જોગ અપીલ કરી છે કે, જ્યાં સુધી તંત્ર તરફથી સૂચના ન મળે ત્યાં સુધી પરિક્રમા રૂૂટ પર પ્રવેશ કરવો નહીં. કલેક્ટરે ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને પરિક્રમા ટાળવા માટે અપીલ કરી છે. વધુમાં, અન્નક્ષેત્ર અને ઉતારા મંડળને પણ હાલ જંગલમાં પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી છે. તંત્રએ ખાતરી આપી છે કે વરસાદે વિરામ લીધા બાદ અને તડકો નીકળતાની સાથે જ તાત્કાલિક ધોરણે રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવશે. જો 31 ઓક્ટોબરના રોજ વાતાવરણ અનુકૂળ હશે, તો તંત્ર પરિક્રમા અંગે નિર્ણય લેશે.

વન વિભાગના ડીસીએફ અક્ષય જોશીએ જણાવ્યું હતું કે વરસાદને કારણે 36 કિમીના રૂૂટ પર અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાઈ જતાં રૂૂટ જોખમી બન્યો છે, જેથી આ વર્ષે બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોએ પરિક્રમામાં આવવાનું ટાળવું જોઈએ. ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જૂનાગઢમાં વરસાદ વરસ્યો છે અને હજી પણ વરસાદની આગાહી છે. એના કારણે પરિક્રમાના રૂૂટ પર રસ્તાને નુકસાન થયું છે. જ્યાં સુધી તંત્ર તરફથી સૂચના ન મળે ત્યાં સુધી અન્નક્ષેત્ર ચલાવતા લોકોને અહીં ન આવવા અપીલ કરવામાં આવી છે. ભાવેશ વેકરિયાયે કહ્યું હતું કે હજી પણ વરસાદ ચાલુ રહેશે તો અંદર જઈ શકાશે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement