રાજ્યના 207 તાલુકામાં સો ટકાથી વધુ વરસાદથી લીલો દુકાળ
44 તાલુકામાં હજુ વરસાદની ખાધ, અમુક સ્થળે 200 ટકાથી વધુ પાણી ખાબકયું
ભાજપ સરકાર દ્વારા કમોસમી વરસાદથી પારાવાર નુકસાન પામેલા ખેડૂતને બેઠો કરવા માટે જંગી પેકેજ જાહેર કરાયું છે. બીજી તરફ, પહેલાં અતિવૃષ્ટિ અને છેલ્લે માવઠાના કારણે રાજ્યના 251 તાલુકામાંથી 207 તાલુકામાં સો ટકાથી વધુ સીઝનનો રેકોર્ડ બ્રેક વરસાદ થયો હોય તેવું પણ સંભવત: પ્રથમ વખત બન્યું છે. 44 તાલુકા જ એવા છે જેમાં સો ટકાથી ઓછો વરસાદ થયો છે.
તાજેતરમાં નવેમ્બર મહિના સુધી કમોસમી વરસાદ બાદ મેઘરાજાએ વિદાય લીધી છે ત્યારે ગુજરાતમાં આ ચોમાસુ વિક્રમજનક રહ્યું છે. અનેક તાલુકામાં 150 ટકાથી વધુ અને 200 ટકાથી વધુ વરસાદ થયો છે. ભાવનગરના મહુવામાં 252 ટકા વરસાદ થયો છે. અનેક તાલુકામાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાયેલી છે. મેઘરાજાના પ્રકોપથી 251 તાલુકામાંથી એકપણ તાલુકો એવો નથી જેમાં 10 ઇંચથી ઓછો વરસાદ થયો હોય તો ફક્ત 11 તાલુકા એવા છે જેમાં 11 ઈંચથી 20 ઇંચ જેટલો વરસાદ થયો છે. બાકીના 117 તાલુકામાં 21 ઇંચથી 40 ઇંચ સુધીનો અને 123 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ થયો છે.
સો ટકાથી ઓછો વરસાદ થયો છે તેમાં મહત્તમ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના તાલુકાનો સમાવેશ થાય છે. શિયાળાના પ્રારંભે પડેલા કમોસમી વરસાદના કારણે 3 નવેમ્બર સુધી જળાશયોને એલર્ટ પર રાખવા પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. 206 જળાશયોમાં ક્ષમતા સામે 96.86 ટકા જેટલો જળ સંગ્રહ થયેલો છે. જેમાં 116 ડેમ સો ટકા ભરાઇ ગયા છે અને 62 ડેમ 70 ટકાથી 99 ટકા સુધી ભરાયેલા છે. ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં 99.66 ટકા ભરાયેલો છે.
રાજ્યમાં સરેરાશ વરસાદ 128 ટકા, સૌરાષ્ટ્રને માવઠાનો માર
રાજ્યમાં આ સીઝનમાં સરેરાશ વરસાદ 128.32 ટકા થવા પામ્યો છે. તેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 151.97 ટકા, દક્ષિણ ગુજરાતમાં 132.91 ટકા, ઉત્તર ગુજરાતમાં 127.33 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 127.14 ટકા અને સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો 123.67 ટકા વરસાદ થયો છે. જો કે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદમાં સૌથી વધુ અસરગ્રસ્ત સૌરાષ્ટ્રના તાલુકાઓ જ થવા પામ્યા છે.
