DEO કચેરીમાં લાલિયાવાડી સામે ગ્રાન્ટેડ ટીચર્સ એસો.નો મોરચો
ઇજાફા, પેન્શન કેસ, ફાજલ શિક્ષક ફાળવણી સહિતની કામગીરીમાં તાનાશાહી, તપાસ સમિતિ બેસાડવા મુખ્યમંત્રીને રજૂઆત
રાજકોટ જિલ્લા ગ્રાન્ટેડ ટીચર્સ એસો.એ મુખ્યમંત્રીને એક આવેદનપત્ર પાઠવી સજકોટના જીલ્લાશિક્ષણાધિકારી કચેરીના કર્મચારીઓ વિરુદ્ધ શિક્ષકોના ઈજાફા, ઉપધો.નિવૃત્તિ-પેન્શનકેસ, ફાજલ શિક્ષક ફાળવણી વગેરેમાં બદઈરાદાથી અત્યંત શંકાસ્પદ બેદરકારી,કિન્નાખોરી, વિલંબ અને ફરજ્યૂક અંગે ગંભીર ફરિયાદ કરી છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે, રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં છેલ્લા એક વર્ષથી કાયમી ડીઇઓની નિમણૂક આપે કરી નથી.અને ઇન્ચાર્જ ડીઇઓથી રાજકોટ જીલ્લાના શિક્ષણનું ગાડુ ગબડે છે. આથી ઇન્ચાર્જ ડીઇઓના રાજમાં જીલ્લાશિક્ષણાધિકારી કચેરીના અધિકારી તથા કારકુનોની મનમાનીથી, બદઈરાદાથી, કિન્નાખોરીથી શૈક્ષણિક અને વહીવટી તમામ કામો ઠપ્પ થઇ ગયા છે. જે અંગે અગાઉ શૈક્ષણિક સંકલન સમિતિએ તા.12-5-2025ના રોજ કચેરીના ઓફીસ સુપરીન્ટેન્ડન્ટ એમ.એ,અન્સારી, કારકુન વિપુલ બોરીચા અને સુનીતાબેન બારહત, કેળવણી નિરીક્ષક હેમલબેનના નામજોગ શિક્ષણના હિતમાં આવેદન આપીને રજૂઆત કરી હતી.
જીલ્લાશિક્ષણાધિકારી કચેરીના અધિકારી તથા કારકુનો શિક્ષકોના નિવૃત્તિ પેન્શન કેસ, ઉચ્ચ પગાર ધોરણ, ઇજાફા, એલ.ટી.સી.બીલ, વિદ્યાર્થીઓના નામમાં સુધારા વગેરે જેવા શાળાઓના પ્રાણપ્રશ્નોમાં પોતાની ફરજમાં આવતું હોવા છતાં શંકાસ્પદ રીતે કોઈ પરિણામલક્ષી કામગીરી કરવાને બદલે બેદરકારી, આડોડાઈ, વિલંબ અને ફરજ્યૂક કરતા હોવાથી આ બાબત તાત્કાલિક ધોરણે તપાસ સમિતિ બેસાડીને જવાબદાર વ્યક્તિઓ સામે કડક દાખલારૂૂપ કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે.હાલમાં રાજકોટ જીલ્લાશિક્ષણાધિકારી કચેરીમાં 78 થી વધુ શિક્ષકોની ઉચ્ચ પગાર ધોરણની અને નિવૃત્તિ-પેન્શનની ફાઈલો ધૂળ ખાય છે.જેને નિયમ મુજબ ગાંધીનગર મોકલવાની પૂરી જવાબદારી શિક્ષણાધિકારીની હોય છે. ત્યારે આપની ડબલ એન્જીન સરકારમાં રાજકોટની ડી.ઈ.ઓ. કચેરીના ખાડે ગયેલા રેઢિયાળ વહીવટ અંગે ઉપરની અમારી રજૂઆત અંગે તુરંત કાર્યવાહી કરવા,તથા આચાર્યો- શિક્ષકોના હિતમાં જવાબદાર વ્યક્તિઓ સામે જરૂૂરી પગલાં લેવા માંગણી છે.