જૂનાગઢના માથિયાળા પાસે પ્રૌત્રના બાઇક પરથી પટકાતાં દાદીનું મોત
જામકંડોણાના શનાળા ગામે રહેતા વૃદ્ધા પૌત્રના બાઈક પાછળ બેસી જુનાગઢ પુત્રના ઘરે જઈ રહ્યા હતા ત્યારે જુનાગઢ નજીક માથીયાળા ગામ પાસે પહોંચતા વૃદ્ધાને ચક્કર આવતા ચાલુ બાઈકે નીચે પટકાયા હતા. વૃદ્ધાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવા અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામકંડોણાના શનાળા ગામે રહેતા મનિષાબેન મોહનભાઈ કોસીયા નામના 65 વર્ષના વૃદ્ધા ગઈકાલે પુત્રના બાઈક પાછળ બેસી જુનાગઢ જઈ રહ્યા હતા ત્યારે જુનાગઢના માથીયાળા ગામ પાસે પહોંચતા મનિષાબેન કોસીયાને ચક્કર આવતા ચાલુ બાઈકે નીચે પટકાયા હતા. વૃદ્ધાને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે જુનાગઢ બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધાની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક મનિષાબેન કોસીયાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગોંડલમાં રહેતા શારદાબેન મકવાણા નામના 80 વર્ષના વૃદ્ધાને બીમારી સબબ બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. વૃદ્ધા મોત અંગે પોલીસે તેમના પરિવારને જાણ કરતા પરિવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ આવવા રવાના થયો હતો ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.