સાવરકુંડલા-મહુવા રોડ પર અકસ્માતમાં દાદી-પૌત્રના મોત, પરિવારના 3 ઇજાગ્રસ્ત
પુરઝડપે આવેલી કારે બે બાઇકને ફૂટબોલની જેમ ઉલાળ્યા હતા, કાર ચાલક સામે કાર્યવાહી
સાવરકુંડલામા ગઇ મોડી રાત્રે વિપ્ર પરિવારના પાંચ સભ્યો બે બાઇકમા ઘર તરફ જતા હતા ત્યારે સામેથી આવી રહેલી કારે બંને બાઇકને હડફેટે લઇ ફુટબોલની જેમ ઉછાળતા દાદી અને પૌત્રનુ મોત થયુ હતુ જયારે ત્રણ વ્યકિતને ગંભીર ઇજા સાથે હોસ્પિટલે ખસેડાયા છે. અકસ્માતની આ ઘટના ગઇ મોડી રાત્રે મહુવા સાવરકુંડલા રોડ પર બની છે. કારે બે બાઇકને ઠોકરે લીધા હતા.
મુળ બાઢડાના અને હાલમા સાવરકુંડલા રહેતા બ્રાહ્મણ પરિવારના પાંચ સભ્યો આ બે બાઇક પર ઘર તરફ જઇ રહ્યાં હતા. ત્યારે કારે તેમને ફુટબોલની જેમ ઉછાળતા વનિતાબેન ચીમનભાઇ જોશી (ઉ.વ.60)નુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. જયારે જય અજીતભાઇ જોશી (ઉ.વ.14)નુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ અકસ્માતમા કેતનભાઇ ચીમનભાઇ જોશી (ઉ.વ.35) રિધ્ધીબેન કેતનભાઇ જોશી (ઉ.વ.28) તથા તેમની પુત્રી રિવા (ઉ.વ.3)ને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે અમરેલી અને ભાવનગર દવાખાને ખસેડાયા છે. અકસ્માત બાદ કાર પણ ખાળીયા તરફ ખેંચાઇ ઉભી રહી ગઇ હતી. અકસ્માત સર્જી કાર ચાલક નાસી છુટયો હતો. પોલીસે બનાવ અંગે કાર ચાલક સામે તપાસ શરૂૂ કરી છે. બનાવના સ્થળની નજીકથી સીસીટીવી ફુટેજ પણ મળી આવ્યા હતા. જેમા કારની ટક્કરથી એક બાઇક હવામા ઉછળ્યાંનુ સ્પષ્ટ દેખાતુ હતુ. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂૂ કરી છે.