દ્વારકા-ડાકોર-શામળાજીમાં ફૂલડોલ ઉત્સવની મહાતૈયારી
પદયાત્રીઓની સેવા માટે સેવાભાવી સંસ્થાઓ-સ્વયં સેવકો ખડેપગે, સેવા કેમ્પોમાં ભોજન સાથે ભજનની રંગત
ગુજરાતમાં હોળી-ધૂળેટીના પર્વનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે દેવાલયોમાં રંગોના પર્વની ઉજવણી માટે આરતી-દર્શન સહિતના સમયમાં ફેરફારો કરવામાં આવ્યા છે. તેમજ ભક્તોની ભીડને ધ્યાને રાખી વિશેષ આયોજનો કરવામાં આવેલ છે. ખાસ કરીને દ્વારકા-ડાકોર-શામળાજી સહિતના યાત્રા-ધામોમાં ફુલડોલ ઉત્સવની ઉજવણીને ધ્યાને વહીવટીતંત્ર દ્વારા પણ તૈયારી કરવામાં આવી છે. તા. 14મીએ મંદિરોના દર્શન અને આરતી માટે નવા સમય જાહેર કરાયા છે.
દ્વારકામાં અત્યારથી જ ફુલડોળ ઉત્સવના માહોલ સાથે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ભક્તોનો ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ સમગ્ર દ્વારકા નગરીને રંગીન બનાવી રહ્યું છે. દૂર-દૂરથી આવતા યાત્રિકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. દ્વારકાધીશ જગતમંદિરમાં 14 માર્ચે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ભીડને નિયંત્રિત કરવા અને યાત્રિકોને સુવિધા આપવા માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રિકોનો સ્વર્ગદ્વારથી પ્રવેશ અને મોક્ષદ્વારથી નિકાસ થશે, જેથી ભીડને યોગ્ય રીતે સંચાલિત કરી શકાય. રહેવા, જમવા અને ટ્રાન્સપોર્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જેથી યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે. શહેરમાં ટ્રાફિકને લઇ એકમાર્ગીય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી ટ્રાફિક જામ ન થાય. પગપાળા યાત્રા કરી રહેલા પદયાત્રીઓ માટે ચા-પાણી-નાસ્તો, જમવાનું, ફળોની ક્વોલિટી ચેક કરવામાં આવી રહી છે, જેથી તેમને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે.
ફૂલડોળ ઉત્સવમાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી લાખો ભાવિકો પગપાળા તેમજ વાહનો દ્વારા આવી રહ્યા છે. પદયાત્રીઓમાં ભરવાડ તથા રબારી સમાજના ભાવિકોની સંખ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્રે પણ યાત્રાળુઓની સુખાકારી, સલામતી તથા સુરક્ષા અંગે તડામાર તૈયારીઓ કરી છે.
શામળાજીમાં ભગવાન શામળિયાના સાંનિધ્યમાં રંગેચંગે હોળી પર્વની ઉજવણી કરાય છે. અગિયારસથી પૂર્ણિમા સુધી હોળી ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. હોળી અને ધુળેટીના દિવસે દર્શનની અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. 13 તારીખ ને ગુરુવારના રોજ હોળી પ્રગટ્યોત્સવ ઉજવવામાં આવશે. 14 માર્ચ ને શુક્રવારે ભગવાન શામળિયાનો રંગોત્સવ (ફૂલ દોલોત્સવ) ફાગણ સુદ પૂનમના દિવસે શણગાર આરતી વખતે કરવામાં આવશે.ડાકોર મંદિરમાં અનોખી રોશનીનો ઝગમગાટ કરાયો છે. ફાગણી પૂનમે 5 લાખથી વધુ શ્રદ્ધાળુના આગમનની ધારણા છે. આકસ્મિક સંજોગોને પહોંચી વળવા 108 એમ્બ્યુલન્સ સેવા સજ્જ કરવામાં આવી છે. સુરક્ષાની દૃષ્ટિએ પોલીસનો વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ત્રણેય મંદિરોમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેની વિગતો મંદિરની વેબસાઇટ દ્વારા જાણી શકાય છે.
દ્વારકામાં આરતી-દર્શનનો સમય
મંગળા આરતી સવારે 6 વાગ્યે
ફૂલડોલ ઉત્સવ આરતી બપોરે 1:30
ઠાકોરજી સાથે ફૂલડોલ ઉત્સવની ઉજવણી 2:30 સુધી
સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે
ડાકોર મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર
મંગળા આરતી સવારે 04:00 વાગ્યે
શણગાર આરતી 09:00
ભગવાન સાથે ફૂલડોલ ઉત્સવની ઉજવણી બપોરે 1 વાગ્યા સુધી
રાજભોગ આરતી 03:30
ઉત્થાપન આરતી સાંજે 05:15
શામળાજીમાં દર્શનનો સમય
શામળાજી મંદિરમાં 14 માર્ચે દર્શનના સમયમાં ફેરફાર
મંગળા આરતી સવારે 06:45 વાગ્યે
શણગાર આરતી 08:30
મંદિર બંધ (ભગવાનને રાજભોગ ધરાવાશે) 11:30
રાજભોગ આરતી બપોરે 12:15
મંદિર બંધ (ઠાકોરજી પોઢી જશે) 12:30
ઉત્થાપાન (મંદિર ખૂલશે) 02:15
સંધ્યા આરતી સાંજે 06:30
શયન આરતી રાત્રે 08:15
મંદિર બંધ 08:30