દ્વારકાધીશ મંદિરમાં આજે વામન જયંતિ 61મા વિરાટ વિજય દિવસની ભવ્ય ઉજવણી
ઇ.સ. 1965માં પાકિસ્તાન દ્વારા વામન જયંતિના દિવસે દ્વારકાના જગતમંદિર ઉપર રાત્રિના સમયે મેલી મુરાદથી દરીયાઈ માર્ગે 156 જેટલા બોમ્બથી ભીષણ બોંબમારો કરવામાં આવ્યો હતો. પરંતુ સુદર્શનચક્રધારી શ્રી દ્વારકાધીશજીએ મંદિર તેમજ સમગ્ર નગરીનું રક્ષણ કરી, સમગ્ર નગરીને બચાવતા એક પણ બોમ્બ દ્વારકામાં ન પડતાં શહેરથી દૂર ખાબક્યા હતા.
ત્યારથી ભગવાનનો આભાર માનતાં આ શુભ દિનને વિરાટ વિજય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ગુરુવાર તા.4ના રોજ 61 માં વિરાટ વિજય દિવસની ઉજવણીના ભાગરૂૂપે જગતમંદિરમાં મધ્યાહન સમયે ભગવાનના વામન સ્વરૂૂપની વિશેષ ઉત્સવ આરતી પણ કરવામાં આવશે.1965ના વર્ષમાં પાકિસ્તાન નેવી દ્વારા દ્વારકાધીશ મંદિરનો નાશ કરવાના મલિન ઈરાદાથી દ્વારકાના સમુદ્ર કિનારેથી નિરિક્ષણ કરી ગયા બાદ રાત્રિના સમયે પાકિસ્તાન નેવી દ્વારા નાપાક ઈરાદા સાથે દ્વારકા ઉપર ભીષણ બોમ્બમારો કરીને 156 જેટલા બોમ્બ દ્વારકા ઉપર ફેંકવામાં આવ્યા હતા. પરંતુ વામન જયંતિનાએ પવિત્ર દિવસે ભગવાન દ્વારકાધીશે તેમની કર્મભૂમિ અને તેમની પ્રજા સમાન નગરજનોને બચાવવા દરિયાના પાણીનું સ્તર ઊંચું લાવી દીધું હતું. આથી ભરતીના સમયે કરાયેલ બોમ્બમારામાં એક પણ બોમ્બ દ્વારકામાં ન પડતાં દ્વારકાથી દૂર જંગલમાં જઇ પડ્યા હતા અને એક પણ બોમ્બ ફુટયો પણ ન હતો.!
વામન જયંતિના રોજ બનેલી આ ઘટનામાં જેમ વામન અવતારમાં ભગવાને રાજા બલીનો અહંકાર તોડ્યો હતો, તેવી જ રીતે ભગવાન દ્વારકાધીશે પાકિસ્તાનનો અહંકાર ચકનાચૂર કર્યો હતો. આ બોમ્બમારાના અવશેષો આજે પણ દ્વારકાની કોલેજ રોડ પર આવેલી સંસ્કૃત એકેડેમીના મ્યુઝીયમમાં મોજૂદ છે.