ચોટીલા તાલુકામાં ત્રણ ગામોની ગ્રામસભા વિવાદના ઘેરામાં, હોબાળા સાથે વિરોધ!
આણંદપુરમાં તલાટી ગેરહાજર!, મોટી મોલડીમાં મોડા પહોંચ્યા, ધારૈઇમાં રેગ્યુલરની હાજરીમાં યોજવા માંગ
ચોટીલા તાલુકાનાં બીજી ઓક્ટોબરનાં ગ્રામસભાનો કાર્યક્રમ યોજાયો હતો જેમા ત્રણ ગ્રામ પંચાયતમાં વિવાદ થયો હતો અને અધિકારીઓ તેના મુળ સુધી પહોચે અને ગામ લોકોની માગણી મુજબ ફરી ગ્રામ સભા યોજવા લોકોએ માંગ કર્યાના વિડીયો પંથકમાં વાયરલ થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા બીજી ઓક્ટોબરના સમગ્ર રાજ્યમાં દરેક ગ્રામ પંચાયતમા ગ્રામ સભાનો કાર્યક્રમ જાહેર થયેલ હતો અને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ત્રણ ગામોમાં ગ્રામ સભાનો વિવાદ થયો છે જેના વિડીયો શોશ્યલ મિડીયામાં વાયરલ થતા રાજકારણ ગરમાયું હતું અને લોકોની રજૂઆત અને સ્થાનિક ગ્રામ્ય કક્ષાના પ્રશ્ર્નો એ ચકચાર જગાવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ મોટી મોલડી, ધારૈઈ અને આણંદપુર ગામની ગ્રામસભામાં વિવાદ સર્જાયો છે આ અંગે તાલુકાનાં ઇન્ચાર્જ ટીડીઓ ને પુછતાછ કરતા તેઓએ પણ આડકતરો કર્મચારીનો બચાવ કરતી વાત કરી વિવાદને સમર્થન આપ્યું હતું તેમજ તેઓ પાસે ચાર્જ હોવાથી પુરી માહિતીનો અભાવ હોવાનું જણાવ્યું હતું
શોશ્યલ મિડીયામાં વાયરલ વિડિયો ઉપરથી એવી હકીકત બહાર આવી છે કે આણંદપુર ખાતે ગ્રામસભાના સમયે તલાટી જ આવ્યાં નહીં જ્યારે મોટી મોલડી ગામે તલાટી મોડા પહોચ્યા હતા અને જ્યારે ધારૈઇ ગામે રેગ્યુલર તલાટી રજા ઉપર હતા ચાર્જના તલાટી ગ્રામસભા લેવા પહોંચતા સ્થાનિક લોકોએ વિરોધ જતાવી તેઓની રજુઆત અને સવાલો છે જેથી ગ્રામસભા રેગ્યુલર તલાટીની હાજરીમાં યોજાય તેવી માંગ કરી હતી.
સ્થાનિક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તાલુકામાં ગ્રામ્ય કક્ષાએ વિવાદનો મધપુડો ગ્રામસભામાં જાહેરમાં ઉભરી આવતા રાજકારણમાં ગરમાવો છવાયો છે તેમજ લોકોની રજૂઆત અંગે ઉચ્ચ અધિકારીઓ ધ્યાનમાં રાખીને આવા ગામોમાં વિરોધનું સત્ય જાણવા પ્રયાસ કરે અને ફરી આવા ગામોમાં કાયદેસર ગ્રામસભા યોજે તેવી માગણી કરી છે.