GPSCએ બહાર પાડી આરોગ્ય વિભાગમાં મોટાપાયે ભરતી, જાણો કઈ તારીખ સુધી કરી શકાશે અરજી
GPSC દ્વારા આરોગ્ય વિભાગમાં મોટાપાયે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં સરકારી દવાખાનાઓમાં વર્ષ 2022માં સર્જન, ચિકિત્સકો અને બાળરોગ ચિકિત્સકોની ખાલી પડેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા GPSC હેઠળ 2800થી વધુ આરોગ્ય વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે. ભરતી અંગેની સંપૂર્ણ માહિતી GPSC દ્વારા વેબસાઈટ પર મૂકવામાં આવી છે.
GPSC દ્વારા રાજ્ય આરોગ્ય વિભાગમાં મોટી સંખ્યામાં ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલ 21 નવેમ્બર, બપોરના 1 વાગ્યાથી 10 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
આ જાહેરાત અંતર્ગત 1500 જેટલા ડૉક્ટરની ભરતી કરવામાં આવશે. આ સિવાય જનરલ સર્જનની 200 જગ્યા ભરવામાં આવશે. ફિઝિશિયનની 227 જગ્યા, ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યા પર ભરતી કરાશે તેમજ વીમા અધિકારીની 147 જગ્યા પર ભરતી કરાશે. લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર તમામ પોસ્ટ માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઈટ પર ઓનલાઈન જ અરજી કરી શકશે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની પ્રિન્સિપાલ, ગુજરાત નર્સિંગ સેવા ક્લાસ 1ની કુલ પાંચ જગ્યાઓ છે. જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન નર્સિંગની લાયકાત છે અને 15 વર્ષનો અનુભવ માગવામાં આવ્યો છે.
ગુજરાત આરોગ્ય વિભાગમાં 2800થી વધુ ભરતીની બહાર પાડવામાં આવી છે. જેમાં તબીબી અધિકારીની 1506, વીમા તબીબી અધિકારી (એલોપેથીક)ની 147, બાયોકેમેસ્ટ્રીના ટ્યુટરની 20, કોમ્યુનિટી મેડિસિન ટ્યુટરની 30, ફોરેન્સિક મેડિસિનના ટ્યુટરની 29, માઈક્રોબાયોલોજીના ટ્યુટરની 23, પેથોલોજીના ટ્યુટરની 33, ફિઝિયોલોજીના ટ્યુટરની 32, એનેટોમીના ટ્યુટરની 25 અને ફાર્માકોલોજીના ટ્યુટરની 23 જગ્યાઓ મળીને 1868 જગ્યાઓ પર ક્લાસ 2ની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં પદ પ્રમાણે શૈક્ષણિક લાયકાત MS/DNB, MD/MS/DNB/PGDIP, MD/DNB/PGDIP છે.