વરસતા વરસાદમાં GPSCની પરીક્ષા લેવાઇ, ઉમેદવારોમાં રોષ
જીપીએસસી દ્વારા રવિવારે નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદારની પ્રિલીમરી પરીક્ષા લેવામાં આવી હતી. રાજકોટમાં 37 કેન્દ્રો પર 8054 ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ વરસાદના કારણે મોટાભાગના ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. ભારે વરસાદની આગાહી અને અવિરત વરસાદ હોવ છતાં પણ સરકાર દ્વારા પરીક્ષા ગોઠવતા જે ઉમેદવારો બહારગામથી પહોંચી શકયા ન હતા તેવોમાં રોષ જોવા મળ્યો હતો. ઉપરાંત પેપર પણ અઘરૂ હોવાની રાવ ઉઠી હતી.
ઉમેદવારે જણાવ્યું હતું કે, હું ધ્રાંગધ્રાથી રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ પરીક્ષા કેન્દ્રમાં જીપીએસસીની પરીક્ષા આપવા માટે પહોંચી હતી. મને જન્મથી પોલિયોની તકલીફ હોવાથી ચાલી શકતી નથી. બેઠા બેઠા ચાલુ છું અથવા તો વ્હીલ ચેરની જરૂૂર પડે છે. વરસાદને કારણે અહીં આવવામાં તકલીફ ખૂબ પડી. ધાંગધ્રાથી શનિવારે નીકળી હતી અને ત્યારબાદ મોરબી મારા પિયરમાં રોકાઈ હતી અને હવે રવિવારે રાજકોટ પરીક્ષા આપવા પહોંચી હતી. મેં પીટીસી, એમએ સુધીનો અભ્યાસ કરેલો છે તો ભણ્યા હોય તો સરકારી અધિકારી બનું તેવી ઈચ્છા છે. જ્યારે મોરબીથી આવેલા ઉમેદવારે જણાવ્યું હતું કે, વરસાદને કારણે અહીં પરીક્ષા કેન્દ્ર પર આવવામાં થોડી તકલીફ પડી. જોકે એસટી બસની સુવિધા હોવાથી કોઈ વાંધો આવ્યો નથી. હાલ હું સરકારી વિભાગમાં ક્લાસ 3નો કર્મચારી છું પરંતુ મારે ક્લાસ વન અધિકારી બનવું છે જેના માટે હું જીપીએસસીની પરીક્ષા આપવા આવ્યો છું. જ્યારે સેન્ટર સંચાલકે જણાવ્યું હતું કે, અહીં તમામ દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યું છે અને 120 જેટલા ઉમેદવારો નોંધાયા છે જો કે તેમાંથી વરસાદને કારણે ઘણા બધા ઉમેદવારો ગેરહાજર રહ્યા છે.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ પરીક્ષા અંગે એડિશનલ કલેક્ટર એ. કે. ગૌતમે જણાવ્યું હતું કે, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી તથા નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગની પ્રિલીમિનરી પરીક્ષા રવિવારે યોજાઈ છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામા 37 પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા છે. જ્યાં સામાન્ય અભ્યાસ પ્રશ્નપત્ર - 1 નો સમય સવારે 11 થી 1 વાગ્યાનો છે. જેમાં 8054 ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષા માટે નોંધાયા છે. જેમણે અગાઉથી પરવાનગી મેળવેલી હોય તેવા ફરજ પરના અધિકારીઓ-સ્ટાફ, લગ્નના વરઘોડા, સ્મશાનયાત્રામાં જોડાયેલા લોકો, ફરજ પરનાપોલીસ-એસ.આર.પી.-હોમગાર્ડ-જી.આર.ડી.ના સ્ટાફને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.