જામનગરમાં પ્રદૂષણ ઓકતી ભઠ્ઠીઓ સામે GPCB નતમસ્તક
ધૂમાડા અને ગંદકીનું પ્રદૂષણ જોખમી સ્તરે છતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આંખે અંધાપો
સ્થાનિક રહેવાસીઓની રજૂઆતો બહેરા કાને અથડાઇ, જન આરોગ્ય ઉપર ગંભીર ખતરો
જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર નજીક હરિભાઈ વાડી વિસ્તારમાં ધુમાડા અને ગંદકીનું સામ્રાજ્ય,GPCB ની નિષ્ક્રિયતા સામે નાગરિકોમાં રોષ જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તાર પાસે આવેલા હરિભાઈ વાડી વિસ્તારમાં હાલ પ્રદૂષણનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા અને ગંદકીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે. નવાઈની વાત એ છે કે, એક જાગૃત નાગરિક દ્વારા આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB ) સમક્ષ વારંવાર પુરાવા સાથે ફરિયાદો કરવામાં આવી હોવા છતાં, છેલ્લા ઘણા મહિનાઓથી આ સમસ્યા પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.
ઉદ્યોગોમાં ભઠ્ઠીઓમાં ઓગળવામાં આવતા આયાતી ભંગારમાં જોખમી કેમિકલ સહિતનો કચરો હોય છે, જે માનવ જીવન માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તેમ છતાં, ગુજરાત પોલ્યુશન કચેરીના અધિકારીઓની બેદરકારી અને ઢીલી કામગીરીના કારણે આ સમસ્યા યથાવત છે. શંકર ટેકરી ઉદ્યોગ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા સાથે બળેલી રાખ અને ઝેરી ધુમાડા નાક અને શ્વાસમાં પ્રવેશતા જ સ્થાનિક લોકોને તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, આ ઝેરી હવાના કારણે આંખોમાંથી આંસુ પણ આવી જાય છે, તેવું ભયાનક વાતાવરણ સમગ્ર વિસ્તારમાં ફેલાયેલું છે.
માત્ર હરિભાઈ વાડી વિસ્તારમાં ચાલતી અનેક ગેરકાયદેસર ભઠ્ઠીઓ અને ચીમની વિનાની બ્રાસ ફાઉન્ડ્રીઓના ત્રાસથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા ધુમાડા અને ગંદકીના કારણે લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. સ્થાનિક નાગરિકોGPCB ની આ નિષ્ક્રિયતાથી ભારે નારાજ છે અને તેઓ સત્વરે આ પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ લાવવા માટે માંગ કરી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો લોકોના આરોગ્ય પર તેની ગંભીર અસર પડી શકે છે.
પર્યાવરણના જાણકારોનું માનવું છે કેGPCB ની આ પ્રકારની નિષ્ક્રિયતા ભઠ્ઠી માલિકોને પ્રોત્સાહન આપી રહી છે અને કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો બેખૌફ બની રહ્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતા આ એકમો પર કોઈ કાર્યવાહી ન થવાના કારણે અન્ય ઉદ્યોગકારો પણ કાયદાને અવગણવાની હિંમત કરી શકે છે. આ પરિસ્થિતિ લાંબા ગાળે પર્યાવરણ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
સ્થાનિક રહીશો અને પર્યાવરણ કાર્યકરો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાંGPCB દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે શંકર ટેકરી જીઆઇડીસીમાં કાર્યરત તમામ ભઠ્ઠી એકમોનો સર્વે કરવામાં આવે અને મંજૂરી વિના ચાલતા ગેરકાયદેસર એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જ,GPCB એ ભવિષ્યમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે સખત નીતિઓ અમલમાં મૂકવી જોઈએ તેવી માંગ પણ ઉઠી રહી છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન આપવામાં નહીં આવે તો આ વિસ્તારમાં પર્યાવરણીય અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધુ વકરી શકે છે.
ભઠ્ઠીઓ શરૂ કરવામાં જરૂરી મંજૂરી લેવાની પ્રક્રિયાનો ઉલાળિયો
શંકર ટેકરી જીઆઇડીસી ઉદ્યોગમાં ભઠ્ઠી કારખાનાઓના માલિકો દ્વારા આચરવામાં આવી રહેલી ભૂંડી રણનીતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. નિયમો અનુસાર, કોઈપણ ભઠ્ઠી એકમ શરૂૂ કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB ) પાસેથી બે પ્રકારની મંજૂરીઓ - ક્ધસન્ટ ટુ એસ્ટાબ્લિશ (CTA) અને ક્ધસન્ટ ટુ ઓપરેટ (ઈઈઅ) મેળવીને લાયસન્સ પ્રાપ્ત કરવું ફરજિયાત છે. જો કે, આશ્ચર્યજનક વાત એ છે કે હજારોની સંખ્યામાં કાર્યરત ભઠ્ઠી ધારકોમાંથી અત્યંત નહિવત લોકોએ જ આ પ્રક્રિયાનું પાલન કર્યું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, શંકર ટેકરી જીઆઇડીસીમાં મોટાભાગના ભઠ્ઠી એકમો કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી વિના બેફામ રીતે ધમધમી રહ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ GPCB ની સીધી દેખરેખ હેઠળ હોવા છતાં, તંત્ર દ્વારા આવા મંજૂરી વિના ચાલતા કારખાનાઓની સંખ્યા અંગે ક્યારેય કોઈ સત્તાવાર સર્વે હાથ ધરવાની તસ્દી લેવામાં આવી નથી. જેના કારણે આ વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે અને સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે.