જાયવા ગામે ગોઝારો અકસ્માત, દંપતિ અને પુત્રીનાં મોત
ભેંસદડ ગામે જતી વખતે બોલેરોએ એક્ટિવાને ઉલાળતા એક જ પરિવારના ત્રણનાં મોતથી અરેરાટી
જામનગર- રાજકોટ ધોરી માર્ગ રવિવારે સવારે ફરીથી રંજીત બન્યો છે, અને બોલેરો ની ઠોકરે એકટીવા સ્કૂટર ચડી જતાં સ્કૂટર ચાલક ભેંસદડ ગામના વતની એવા પતિ પત્ની અને ચાર વર્ષની બાળકી ત્રણેયના અંતરિયાળ મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી પ્રસરી છે. વાપી થી પોતાના વતન એક્ટિવામાં આવતી વખતે જાયવા ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના ભેંસદડ ગામના વતની અને છેલ્લા કેટલાક વર્ષોથી વાપી વિસ્તારમાં સ્થાઇ થયેલા સંજયભાઈ રમેશભાઈ ચોટલીયા (ઉંમર વર્ષ 37) કે જે પોતાના પત્ની ઇનાબેન ચોટલીયા (ઉંમર વર્ષ 36) તથા તેમની ચાર વર્ષની પુત્રી નિષ્ઠા ને એકટીવા સ્કૂટરમાં બેસાડીને વાપી થી પોતાના વતન ભેંસદડ ગામે જવા માટે આવી રહ્યા હતા.જે દરમિયાન આજે સવારે 8.30 વાગ્યાના અરસામાં ધ્રોળ તાલુકાના જાયવા ગામના પાટીયા પાસે આવી રહેલી જી.જે. -3 બી.ડબલ્યુ. 2320 નંબરની બોલેરો ફોરવીલ ના ચાલકે એકટીવા સ્કૂટરને ઠોકરે ચડાવતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં સંજયભાઈ અને તેમના પત્ની ઇનાબેન તથા પુત્રી નિષ્ઠા ત્રણેય ગંભીર સ્વરૂૂપે ઇજાગ્રસ્ત બન્યા હતા.આ અકસ્માતને લઈને હાઈવે રોડ પર ભારે ચીસા ચીસ થઈ ગઈ હતી, અને બોલેરો ચાલક અકસ્માત સર્જીને પોતાનું વાહન છોડીને ભાગી છૂટ્યો હતો.આ બનાવ સમયે ત્યાંથી પસાર થનાર અન્ય વાહનચાલકો વગેરેએ સ્થળ પર ઊભા રહીને તાત્કાલિક અસરથી 108 ની ટુકડીને બોલાવી હતી, અને 108 ની ટીમ સંજયભાઈ તેના પત્ની ઇનાબેન તથા પુત્રી નિષ્ઠાને પ્રાથમિક સારવાર આપ્યા પછી વધુ સારવાર અર્થે ધ્રોળની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા. ત્યાં સંજયભાઈ અને તેમના પત્ની ઇનાબેન બંનેએ માર્ગમાં જ દમ તોડી દીધો હતો, અને હોસ્પિટલે માત્ર તેઓના મૃતદેહ જ પહોંચ્યા હતા.
જયારે ચાર વર્ષની પુત્રી નિષ્ઠા, કે જે પણ ગંભીર સ્વરૂૂપે ઈજાગ્રસ્ત બની હતી, અને તેની સારવાર શરૂૂ કરાય તે પહેલાં તેણી સરકારી હોસ્પિટલના બીછાને મૃત્યુ પામી હતી, જેથી આ ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણેય વ્યક્તિના મૃત્યુ નિપજતાં ભારે કરુણંતીકા છવાઈ હતી.આ અકસ્માતના બનાવની જાણ થવાથી ભેંસદડ ગામમાં રહેતા મૃતક સંજયભાઈ ના કુટુંબી કાકા રાજેશભાઈ મેઘજીભાઈ ચોટલીયા બનાવના સ્થળે તેમ જ ધ્રોળની સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા અને તેઓએ ધ્રોલ પોલીસને જાણતા કરતાં ધ્રોળના પી.આઇ. એચ.વી. રાઠોડ તેમની ટીમ સાથે ઘટના સ્થળે તેમજ ધ્રોળની સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, અને ત્રણેયના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.જયારે રાજેશભાઈ ચોટલીયા ની ફરિયાદના આધારે આ ગોઝારો અકસ્માત સર્જનાર જી.જે.-3 બી.ડબલ્યુ. 2320 નંબરની બોલેરો ના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે, અને માર્ગ પર રેઢી પડેલી બોલેરો કબજે કરી લઈ તેના ચાલકની શોધ ખોળ હાથ ધરી છે.