અમિત ખૂંટ આપઘાત કેસમાં સરકારની એન્ટ્રી, સ્પેશિયલ અને આસીસ્ટન્ટ પી.પી.ની નિમણૂક
રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સરકારની એન્ટ્રી થઇ છે. ગૃહ વિભાગ તરફથી સ્પેશિયલ પીપી અને આસિસ્ટન્ટ પીપીની નિમણૂક કરવામાં આવી છે. સ્પેશિયલ પીપી તરીકે ચેતન શાહ તેમજ આસિસ્ટન્ટ પીપી તરીકે હિરેન પટેલની કરી નિમણૂક કરવામા આવી છે. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ સરકારમાં કરેલી રજૂઆત બાદ કેસમાં ગૃહ વિભાગ તરફથી સ્પેશિયલ પીપી અને આસિસ્ટન્ટ પીપીની નિમણૂક કરવામાં આવતા હવે આ કેસમાં ફરાર અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલી વધી છે.
રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાના આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. આ પહેલાં કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ફગાવી હતી. અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા સામે આપઘાત માટે મજબુર દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયા બાદ હાલ બંનેની શોધખોળ ચાલી રહી છે. ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે.
ગોંડલ તાલુકા પોલીસે કરેલી ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહ અને તેમના પુત્ર રાજદીપસિંહ અને જુનાગઢના રહીમ મકરાણીને ફરાર બતાવવામાં આવ્યા છે. અનિરુદ્ધસિંહે કરેલી આગોતા જામીનની અરજીમાં સરકારી વકીલની દલીલો ધ્યાનમાં લઈને કોર્ટે આગોતરા ફગાવ્યા બાદ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને એકસાથે બે ઝટકા મળ્યા છે. એક તરફ તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં ચાર અઠવાડિયામાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. પોપટ સોરઠિયા હત્યાકેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધીક્ષક ટી.એસ. બિસ્ટના હુકમને ફગાવી દેવામાં આવ્યો છે અને અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો છે. આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો છે. આમ અનિરુદ્ધસિંહને બીજીવાર જેલમાં જવાની સ્થિતિ ઉભી થઈ છે. અમિત ખુંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હાલ પોલીસ શોધી રહી છે.
ચકચારી કેસમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ રાજય સરકારને સ્પેશીયલ પી.પીની નિમણૂંક કરવા કરેલી ભલામણને આધારે ગૃહ વિભાગ તરફથી સ્પેશિયલ પીપી અને આસિસ્ટન્ટ પીપીની નિમણૂક કરવામાં આવી છે. સ્પેશિયલ પીપી તરીકે ચેતન શાહ તેમજ આસિસ્ટન્ટ પીપી તરીકે હિરેન પટેલની કરી નિમણૂક કરવામા આવી છે.