કમોસમી વરસાદથી કપાસને થયેલી નુકસાનીનું વળતર સરકાર ચૂકવશે
રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. ઓક્ટોબર 2024માં થયેલા નુકસાન માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. જે અંતર્ગત કપાસના વાવેતરને થયેલા નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે. રાજ્યના 6 જિલ્લાઓમાં કપાસના વાવેતરને થયેલા નુકસાન અંતર્ગત ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે રાજ્યના છોટા ઉદેપુર, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે. સરકારના નિયમ મુજબ જે ખેડૂતોને 33 ટકાથી વધુ પાક નુકસાની થઈ હશે તો જ ખેડૂતને સહાય મળશે. આ સિવાય બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 11,000 રૂૂપિયાની સહાય ખેડૂતને મળશે. ખેડૂતોએ આ પાક નુકસાનીનું વળતર લેવા માટે 14 જુલાઈથી આ 6 જિલ્લાના ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સરકાર તરફથી ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં જ સીધા પૈસા જમા કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 6 દિવસથી વરસી રહેલા વરસાદને પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં ઊભી નીકળેલા પાકનો સોથો વળી ગયો છે. જિલ્લા મથક પાલનપુરમાં પણ 9 ઇંચ જેટલા વરસાદ ને પગલે પાલનપુર તાલુકાના અનેક ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરે સીએમને પત્ર લખ્યો છે અને ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવવા માગ કરી છે.