રૈયામાં રૂા.50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ
બાપા સીતારામ ચોક નજીક 5000 ચો.મી. સરકારી જમીન પરના 5 ગેરેજ-દુકાન સહિત 10 ઓરડીનું પોલીસનો બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન
સરકારી જમીન પર થયેલા ધાર્મિક સહીતના દબાણો હટાવવા માટેની કાર્યવાહી કરવા સુપ્રિમના આદેશ બાદ રાજકોટ જિલ્લામાં ડિમોલીશનની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં અંદાજે 2000 થી વધુ દબાણો સરકારી જમીન પર ખડકી દેવામાં આવેલા છે. તેની યાદી મુજબ દુર કરવાની કામગીરી કલેકટર તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આજે કલેકટરની સુચના મુજબ પશ્ચિમ મામલતદાર દ્વારા રૈયા રોડ નજીક બાપા સીતારામ ચોક પાસે 50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ હતી.
રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ બાપા સીતારામ ચોક નજીક પશ્ચિમ મામલતદાર દ્વારા રૈયા ગામની યુએલસી ફાજલ પ્લોટ સર્વે નંબર 156 પૈકીની પાંચ હજારના ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જેમની બજાર કિંમત 50 કરોડથી પણ વધુ થવા જાય છે. પશ્ચિમ મામલતદાર દ્વારા અગાઉ બે થી ત્રણ વખત નોટિસ આપવા છતાં પણ દબાણ દૂર ન કરતા આજે પશ્ચિમ મામલતદાર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ કરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર આજે વહેલી સવારે જ બાપા સીતારામ ચોક નજીક વર્ષોથી અડ્ડો જમાવી બેઠેલા રૈયા ગામ સર્વે નંબર 156 પ્લોટમાં છેલ્લા કેટલાય વર્ષોથી પાંચ ગેરેજો, એક પાનની દુકાન, 10 જેટલી ઓરડિયો સહિતના દબાણો પશ્ચિમ મામલતદાર એ.એમ જોશી, નાયબ મામલતદાર મહિરાજસિંહ પી ઝાલા, સર્કલ ઓફિસર ડી એલ પાદરીયા તલાટી શૈલેન્દ્રસિંહ રાણા, પુનમબેન કોરાટ, સ્નેહલબેન ગઢવી, રોહિણીબેન લાડવા તથા ગુંજનબેન ત્રિવેદી તેમજ ગાંધીગ્રામ પોલીસના બંદોબસ્ત સાથે 50 કરોડથી વધુ કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
પશ્ચિમ મામલતદાર એ.એમ જોષી એ જણાવ્યું હતું કે રૈયા ગામ વિસ્તારમાં ટી.પી ફાઈનલ પ્લોટ સર્વે નંબર 156 જુદા જુદા વાણિજ્ય પ્રકારના 16 જેટલા દબાણ કરવામાં આવ્યા હતા. યુ.એલ.સી પ્લોટનું દબાણ આજે ખુલ્લું કરાવવામાં આવ્યું હતું. વર્ષોથી સરકારી જમીન પર દબાણ કરેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું. સરકારની કરોડોની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.વર્ષોથી પાંચ ગેરેજો, એક પાનની દુકાન અને 10 જેટલી ઓરડિયોનું બાંધકામ કરીને ભાડે આપી દેવામાં આવી હતી. ત્રણ જેટલી નોટિસ આપ્યા છતાં પણ દબાણ દૂર ન કરતા આજે પાંચ હજાર ચોરસ મીટર પ્લોટની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જેમની અંદાજી બજાર કિંમત 50 કરોડથી પણ વધુ થવા જાય છે.