સરકારી નોકરીનો ક્રેઝ અને નકારાત્મક રીલ્સ ચિંતાનો વિષય: મુખ્યમંત્રીની ટકોર
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સરકારી નોકરીના ક્રેઝ અને સોશિયલ મીડિયા પર નકારાત્મક રીલ્સની લોકપ્રિયતા અંગે ચિંતા વ્યક્ત કરી તેમણે શિક્ષણ વિભાગને નકારાત્મક સમાચારો ટાળવા અને સકારાત્મક બાબતોને પ્રોત્સાહન આપવા ઉપર વિશેષ ધ્યાન આપવાની ટકોર કરી.
ગાંધીનગર: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ વિભાગની કામગીરી અને સમાજની માનસિકતા પર ટકોર કરી છે. તેમણે સરકારી નોકરીના ક્રેઝ અને સોશિયલ મીડિયા પર નકારાત્મક રીલ્સની લોકપ્રિયતા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
શાળા પ્રવેશોત્સવની બેઠકમાં તેમણે શિક્ષણ વિભાગને નકારાત્મક સમાચારો ટાળવા અને સકારાત્મક બાબતોને પ્રોત્સાહન આપવા ઉપર વિશેષ ધ્યાન આપવાની ટકોર કરી હતી. આ સાથે તેમણે બેરોજગારી જેવા જટીલ મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા કરી હતી.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ વિભાગની બેઠકમાં જણાવ્યું કે, સરકારી નોકરી મેળવવાનો ક્રેઝ વધી રહ્યો છે, પરંતુ ઉદ્યોગોમાં સારી નોકરીઓ માટે વિજ્ઞાનનું ગુણવત્તાયુક્ત શિક્ષણ જરૂૂરી છે. તેમણે ટકોર કરી કે, ટેટ-ટાટની પરીક્ષાઓ હંમેશાં ચાલતી જ રહે છે, શિક્ષણ વિભાગે આના પર ધ્યાન આપવું જોઈએ.
વધુમાં તેમણે જણાવ્યું કે હું પણ સોશિયલ મીડિયા પર રીલ્સ જોઉં છું, પરંતુ નકારાત્મક રીલ્સને વધુ જોવાય છે અને કમેન્ટ્સ પણ વધુ મળે છે, જ્યારે સકારાત્મક રીલ્સને ઓછું ધ્યાન મળે છે. તેમણે સરકારની જવાબદારી ગણાવી કે સકારાત્મક બાબતો લોકો સુધી પહોંચે.