વાર્ષિક સમીક્ષા રિપોર્ટ સબમીટ કરવા શાળાઓને વધુ 15 દિવસ આપતી સરકાર
મનમાની કરતી શાળા સામે કાર્યવાહી કરવાના બદલે બોર્ડે મુદત વધારી આપી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી શાળાના સંચાલકોએ ફરજિયાત રીતે વર્ષ 2025 -26 મા વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ભરીને બોર્ડને મોકલવાનો રહેશે તેવી સૂચના અનેક વખત આપવા છતાં સંખ્યાબંધ શાળાના સંચાલકોએ હજુ સુધી આવો રિપોર્ટ ભરીને બોર્ડને મોકલ્યો નથી.
અગાઉ કરાયેલી જાહેરાત મુજબ તારીખ 30 સપ્ટેમ્બર સુધીમાં દરેક શાળાઓએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને વાર્ષિક નિરિક્ષણ અહેવાલ ફરજિયાત રીતે ભરીને મોકલી દેવાનો હતો.
પરંતુ સંખ્યાબંધ શાળાઓએ આવો રિપોર્ટ ન મોકલતા જે તે શાળા સંચાલકો સામે નિયમ મુજબની કડક કાર્યવાહી કરવાના બદલે બોર્ડે મુદતમાં વધારો કરીને વધુ એક તક શાળા સંચાલકોને આપી છે, બોર્ડના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ તારીખ 30 સપ્ટેમ્બરના બદલે હવે તારીખ 15 ઓક્ટોબર સુધી શાળા સંચાલકો આવો રિપોર્ટ ઓનલાઈન સબમીટ કરી શકશે.
શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકો, તેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, વિદ્યાર્થીઓની સંખ્યા સહિતની ઝીણામાં ઝીણી વિગતો વાર્ષિક નિરીક્ષણ અહેવાલમાં શાળા સંચાલકોએ બોર્ડને પૂરી પાડવાની હોય છે.
સંખ્યાબંધ શાળાઓમાં પૂરતી લાયકાત ધરાવતા શિક્ષકો ન હોવાની અને શિક્ષકોને પૂરતો પગાર ન અપાતો હોવાની વ્યાપક ફરિયાદો પછી બોર્ડે આ વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત જ્યારે ઉત્તરવહીઓના મૂલ્યાંકનની વાત આવે ત્યારે અમારી શાળા પાસે પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી તેમ કહીને મૂલ્યાંકનની કાર્યવાહીથી દૂર રહેતા હોય છે. પરંતુ હવે બોર્ડે આગોતરું આયોજન કરીને દરેક શાળા પાસેથી તેના સ્ટાફ સહિતની જુદી-જુદી નાનામાં નાની વિગતો માંગી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ શાળા સંચાલકો બોર્ડની વેબસાઈટ પર પોતાની શાળાનો ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ નાખીને ઓનલાઈન વિગતો ભરી શકશે. વિગતો કેવી રીતે ભરવી? તેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન બોર્ડની વેબસાઈટ પર દર્શાવવામાં આવી છે. દરેક શાળાએ આવી વિગતો ભરવાનું ફરજિયાત છે અને હવે તારીખ 15 ઓક્ટોબર પછી જે શાળાઓની વિગતો નહીં મળે તેમની સામે આખરી કાર્યવાહી અને દંડ કરવામાં આવશે.