For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડાપ્રધાન મોદીના જન્મદિવસે સરકારી કર્મચારીઓની હડતાળ અંતે મોકૂફ

05:14 PM Sep 14, 2024 IST | Bhumika
વડાપ્રધાન મોદીના જન્મદિવસે સરકારી કર્મચારીઓની હડતાળ અંતે મોકૂફ
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે જૂની પેન્શન યોજના, પડતર પ્રશ્નોને લઈને સરકારી કર્મચારીઓએ નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. જો કે, મોદીના ગુજરાત પ્રવાસ બાદ પાંચ દિવસમાં સરકારી કર્મચારીઓની વાત સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની સરકારે બાંયેધરી આપી છે.

આથી સરકારી કર્મચારીઓની હડતાળ મોકુફ રહેવાના એંધાણ વર્તાઇ રહ્યાનું જાણવા મળ્યું છે.સરકારી કર્મચારીઓની હડતાળની ચિમકી સામે સરકારે પીએમના જન્મદિવસે આંદોલન ન કરવા કર્મચારીઓને અપીલ કરી છે. પીએમ ગુજરાતથી રવાના થયા બાદ તમામ માગ પર સરકાર વિચારણા કરશે તેવી બાંયેધરી આપી છે. સરકારી કર્મચારીઓની હડતાળ મોકુફ રહી છે. આવતા અઠવાડિયામાં ફરીથી સરકાર બેઠક કરશે.

Advertisement

ગુજરાતના કર્મચારીઓ 10 પડતર પ્રશ્નોના નિરાકરણ માટે 17મી સપ્ટેમ્બરે પેનડાઉન હડતાળ પર જવાના હતા અને છઠ્ઠી ઓક્ટોબરથી 27મી ઓક્ટોબર દરમિયાન ઝોન પ્રમાણે ધરણાંનો કાર્યક્રમ યોજવાના હતા. પડતર પ્રશ્નોમાં કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાનો મુદ્દો ફરી ઉભો કર્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ જ જન્મદિવસ છે અને તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના દ્વારા આંદોલનના કાર્યક્રમો નક્કી થયાં હતા. 17મી સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં કર્મચારીઓ પેનડાઉન, શટ ડાઉન દ્વારા કામગીરીનો બહિષ્કાર કરવાની વાત હતી, જ્યારે ઓક્ટોબરમાં ચાર ઝોનમાંથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી પર આવીને કર્મચારીઓ ધરણાં કરે તેવી વાત હતી.

કર્મચારીઓની માગ છે જૂની પેન્શન સ્કીમ. 24 હજાર શિક્ષકો અને બીજા કર્મચારીઓ મળી કુલ 60 હજારથી વધુ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમની માગ કરી રહ્યા છે. 2022માં સરકારે તેમને જૂની પેન્શન સ્કીમમાં સમાવેશ કરવાની ખાતરી આપી હતી અને પ્રેસ નોટ પણ જાહેર કરી હતી. 2 વર્ષનો સમય વીતી જવા છતાં તેનો અમલ નથી થયો. જૂની પેન્શન યોજના સહિત મુખ્ય પ્રશ્નોમાં ફિક્સ પગાર અંગે સરકારે સુપ્રીમમાં કરેલી પિટીશન પાછી ખેંચવી, સાતમા પગારપંચના બાકી લાભ આપવા, ગ્રેડ પેની વિસંગતતા દૂર કરવી, ઉચ્ચતર પગારની વિસંગતતા દૂર કરવી, ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં વારસદારને રહેમરાહે નોકરી, 50 વર્ષ પછીના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ, આઉટ સોર્સિંગ બંધ કરવું તેમજ રાહતદરના પ્લોટનો સમાવેશ થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement