સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને હવે રૂા.10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે
નવરાત્રિના પ્રથમ નોરતે ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને આરોગ્યની મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ના 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે, ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ નવી યોજના હેઠળ, રાજ્યના 6.42 લાખથી વધુ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને ₹10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળશે.
આ ઉપરાંત, રાજ્યના આરોગ્ય માળખાને વધુ મજબૂત કરવા માટે 94 નવી 108 એમ્બ્યુલન્સને પણ સેવામાં સામેલ કરવામાં આવી છે, જેથી હવે રાજ્યમાં કુલ 1549 એમ્બ્યુલન્સ નાગરિકોની સેવા માટે ઉપલબ્ધ છે. ગુજરાતમાં PMJAY યોજનાને 7 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બે મોટી જાહેરાતો કરી છે. આ પહેલથી રાજ્યના આરોગ્ય ક્ષેત્રને વધુ વેગ મળશે.ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ રાજ્યના 6.42 લાખ અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને આરોગ્ય સુરક્ષા કવચ મળશે. આ યોજનાથી તેમને ₹10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળશે. સરકાર આ યોજના પાછળ વાર્ષિક ₹303.5 કરોડનો ખર્ચ કરશે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 2018 થી 2025 સુધીમાં PMJAY યોજના હેઠળ 2.92 લાખ લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ પહોંચ્યા છે. આ યોજના હેઠળ કુલ 51.27 લાખ દાવાઓ માટે ₹13,946.53 કરોડની ક્લેઇમ ચૂકવણી કરવામાં આવી છે. હાલમાં, રાજ્યમાં 2,708 હોસ્પિટલો (943 ખાનગી અને 1,765 સરકારી) આ યોજના સાથે જોડાયેલી છે, જ્યાં 2,471 વિવિધ પ્રોસિઝરનો લાભ ઉપલબ્ધ છે.
રાજ્યમાં આરોગ્ય કટોકટીમાં ઝડપી સહાય પૂરી પાડવા માટે 94 નવી 108 એમ્બ્યુલન્સને સેવા સાથે જોડવામાં આવી છે. આ નવી એમ્બ્યુલન્સના ઉમેરા સાથે, રાજ્યમાં કુલ 108 એમ્બ્યુલન્સનો કાફલો વધીને 1549 પર પહોંચ્યો છે. આ એમ્બ્યુલન્સ અત્યાધુનિક મેડિકલ સાધનો, દવાઓ અને વેન્ટિલેટર મશીનથી સજ્જ છે.