ક્ધઝયુમર કોર્ટના જજ અને સભ્યોના પગારમાં ધરખમ વધારો કરતી સરકાર
ગુજરાત સરકારે ક્ધઝ્યુમર કોર્ટ (ગ્રાહક સુરક્ષા કોર્ટ)ના જજ અને સભ્યો માટે એક મહત્વનો નિર્ણય લેતા તેમના પગાર ધોરણમાં મોટો વધારો જાહેર કર્યો છે. આ વધારો રાજ્ય સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષા નિયમો, 2021 માં સુધારો કરીને અમલમાં મૂકવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ અને લગભગ ચાર વર્ષની કાનૂની લડત બાદ, સરકારે 18 નવેમ્બરના રોજ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને આ નવી પગાર વ્યવસ્થા લાગુ કરી છે. આ નિર્ણયથી રાજ્ય અને જિલ્લા સ્તરે ફરજ બજાવતા પ્રમુખ અને સભ્યોને મોટો આર્થિક ફાયદો થશે.
નવા સુધારા મુજબ, હવે જિલ્લા કમિશનના પ્રમુખને ‘સુપર ટાઈમ સ્કેલ’ મુજબ ડિસ્ટ્રિક્ટ જજ સમકક્ષ પગાર મળશે, જ્યારે જિલ્લા કમિશનના સભ્યોને ‘સિલેક્શન ગ્રેડ’ મુજબ ડિસ્ટ્રિક્ટ જજના લેવલનું વળતર ચૂકવવામાં આવશે. તેવી જ રીતે, રાજ્ય કમિશનના પ્રમુખને હાઈકોર્ટના વર્તમાન જજને મળતા પગાર અને ભથ્થાનો લાભ મળશે. રાજ્ય કમિશનના સભ્યોને પણ પસુપર ટાઈમ સ્કેલથ મુજબ ડિસ્ટ્રિક્ટ જજ સમકક્ષ પગાર ધોરણનો લાભ આપવામાં આવશે. આ સુધારા પહેલાં, ગ્રાહક સુરક્ષા પંચના હોદ્દેદારોને રૂૂપિયા 10,000 થી 30,000 જેટલી નજીવી રકમ ચૂકવવામાં આવતી હતી, જેની સામે 2021 માં બે મહિલા જજ દ્વારા હાઈકોર્ટમાં પીટિશન પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, સરકાર દ્વારા એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે જો કોઈ પ્રમુખ કે સભ્યનો અગાઉનો પગાર નવા નક્કી કરાયેલા ધોરણ કરતા વધારે હોય, તો તે જળવાઈ રહેશે. પગાર ધોરણને ન્યાયિક માપદંડો સાથે સુસંગત બનાવવા માટે વાર્ષિક 3% ના વધારાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ નિર્ણયથી ગ્રાહક સુરક્ષા કોર્ટની કામગીરી વધુ અસરકારક બનવાની અને ન્યાયિક અધિકારીઓને યોગ્ય વળતર મળવાની અપેક્ષા છે.
