વન્ય પ્રાણીઓના હુમલા-માનવ મૃત્યુના કિસ્સામાં સહાયમાં વધારો જાહેર કરતી સરકાર
ગુજરાત સરકાર દ્વારા રાજયમાં આવેલ વન, અભયારણ્ય અને તેની નજીકના વિસ્તારમાં રહેતા વન્ય પ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ-ઇજા તથા પશુ મૃત્યુની ઘટનાઓમાં ચૂકવાતા વળતર-સહાયના દરોમાં વધારો કર્યો છે. રાજયના વન અને પર્યાવરણ વિભાગના પરિપત્ર મુજબ, વન્ય પ્રાણીઓના હૂમલાથી માનવ મૃત્યુ-ઇજા તથા પશુ મૃત્યુના કિસ્સામાં રાજય સરકાર દ્વારા અગાઉ અપાતા વળતરમાં વધારો કરાયો છે.
માનવ મૃત્યુના કિસ્સામાં 10 લાખ ચૂકવાશે, જો માનવને ગંભીર ઇજા થાય તો 2 લાખ અને સામાન્ય ઇજામાં 25 હજાર મળશે. દૂધાળા પશુના મૃત્યુમાં 50 હજારની સહાય ચૂકવવામાં આવશે.
આ ઉપરાંત દૂધાળા પશુઓ માટે પણ પ્રત્યેક પશુદીઠ મૃત્યુ સહાયના નવા દરો નિયત કરાયા છે. ઊંટના મૃત્યુના કિસ્સામાં 40 હજારની સહાય,ઘેટાં-બકરાંના કિસ્સામાં 5 હજાર સહાય, ઘોડા, બળદના મૃત્યુના કિસ્સામાં 25 હજાર, પાડા, પાડી કે વાછરડીના કિસ્સામાં 20 હજાર ચૂકવવામાં આવશે. આ ઠરાવ બહાર પાડતા અગાઉના બનાવોમાં જો કોઇ વળતર ચૂકવવાનું બાકી હોય તો તે જે તે સમયના પ્રવર્તમાન ઠરાવોના દર મુજબ ચૂકવવાનું રહેશે.
વન્ય પ્રાણીમાં સિંહ, વાઘ, રીંછ, વરખનો સમાવેશ કરાયો છે. જયારે જંગલી ભુંડ, મગર, વરૂૂને પણ વન્ય પ્રાણી ગણવામાં આવ્યા છે. મગર, રીંછ, સિંહ, વાઘ સહિતના પ્રાણીઓના હૂમલામાં વળતર ચૂકવાશે. ઉલ્લેખનીય છે કે, વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 197રમાં દર્શાવેલ વન્ય પ્રાણીની વ્યાખ્યામાં સમાવેશ થતાં મગર, સિંહ, વાઘ, દીપડા, રીંછ, વરુ, જરખ અને જંગલી ભૂંડ દ્વારા માનવ મૃત્યુ અથવા ઇજા કે પશુ મૃત્યુ થયેલ હોય તેવા કિસ્સામાં વળતર ચૂકવાશે.
કયા કિસ્સામાં કેટલી સહાય
રાજ્યના વન-પર્યાવરણ વિભાગે કર્યો પરિપત્ર
માનવ મૃત્યુના કિસ્સામાં 10 લાખ
માનવને ગંભીર ઇજા થાય તો 2 લાખ
માનવને સામાન્ય ઇજામાં 25 હજાર
દૂધાળા પશુના મૃત્યુમાં 50 હજાર
ઊંટના મૃત્યુના કિસ્સામાં 40 હજાર
ઘેટાં-બકરાંના કિસ્સામાં 5 હજાર
ઘોડા, બળદના મૃત્યુના કિસ્સામાં 25 હજાર
પાડા, પાડી કે વાછરડીના કિસ્સામાં 20 હજાર