ખેડૂતોને વિઘાદીઠ રૂા.3520ની સહાય જાહેર કરતી સરકાર
મહતમ 44 હજાર સુધી સહાય મળશે: રાજ્ય સરકારે જાહેર કર્યું પેકેજ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડ રૂૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે.
રાજ્યમાં અત્યાર સુધી અપાયેલા રાહત સહાય પેકેજના ઇતિહાસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પિયત અને બિનપિયત પાકોને એકસમાન પાક નુકસાન વળતર આપવાનો મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય કર્યો છે. રાજ્યના ખેડૂતોને તાજેતરના કામોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયના અનુસંધાને હેકટરદીઠ 22 હજાર રૂૂપિયા (વિઘે રૂા.3520) બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે. ખેતી પાકોને જે વ્યાપક નુકસાનનો માર સહન કરવાનો વારો આવ્યો છે તેમાંથી ખેડૂતોને ઝડપભેર ઉગારવા આ રાહત સહાય પેકેજ અંતર્ગત આશરે કુલ રૂૂ. 10 હજાર કરોડની સહાય રકમ રાજ્ય સરકાર ચૂકવશે.
મુખ્યમંત્રી આ કુદરતી આપદામાં સતત ખેડૂતોની ચિંતા કરીને તેમની પડખે ઊભા રહ્યા છે. એટલું જ નહિ, તેમણે કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે 3 દિવસમાં પૂર્ણ કરવા માટે 5 હજારથી વધુ ટીમોને દિવસ રાત કાર્યરત કરવાના દિશાનિર્દેશો ઉચ્ચસ્તરીય બેઠકમાં આપેલા હતા.આ દિશાનિર્દેશોને પગલે કૃષિ વિભાગ અને સંબંધિત વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્રોએ સતત ખડેપગે 24X7 કામ કરીને પાક નુકસાનીનો સર્વે/પંચ રોજકામ હાથ ધર્યા હતા.
મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓને વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવવા સંબંધિત જિલ્લાઓની મુલાકાત માટે પણ સૂચનાઓ આપી હતી.આ સૂચનાઓના પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત જિલ્લામાં, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગરમાં, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તાપીમાં, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથમાં તેમજ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી જિલ્લાની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને સ્થળ પરના નુકસાન અહેવાલની વિગતો મુખ્યમંત્રીને પૂરી પાડી હતી.
મુખ્યમંત્રી પોતે પણ ગીર-સોમનાથ અને જુનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં પહોંચ્યા હતા અને ધરતીપુત્રોની વીતક પૂરી સંવેદનશીલતા સાથે સાંભળીને તેમને હૂંફ-સધિયારો આપ્યા હતા.
પેકેજ નહીં દેવા માફ કરો, પાક વીમા યોજના સરકારે ખતમ કરી નાખી: ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આજે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદથી જે નુકસાન થયું છે, જે પાયમાલી થઈ છે, એના માટે કહેવાતું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું, 10,000 કરોડ રૂૂપિયાનું પેકેજ જાહેર કર્યું, એવી મોટી મોટી જાહેરાતો થઈ રહી છે. પણ હકીકત શું છે કે ગુજરાતમાં સરકારી આંકડા મુજબ જોવા જઈએ તો 72 લાખ હેક્ટર જેટલું વાવેતર હતું અને કમોસમી વરસાદ થયો અને એના કારણે જે નુકસાન થયું એનો અંદાજ છે, એ પણ સરકારી આંકડા મુજબ જોઈએ તો 42 લાખ હેક્ટર જેટલા વાવેતરમાં નુકસાન થયું છે.જ્યારે મોટી વાતો જાહેરાતો થાય છે, એની મોટી મોટી વાહવાહી થાય છે, ત્યારે હકીકત એવી છે કે આ કહેવાતી મૃદુ અને સંવેદનશીલ સરકાર, ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ નહીં કરવા માટે અને ગુજરાતના ખેડૂતોને પાક વીમો યોજનાનો લાભ નહીં આપવા માટે આજે મક્કમ હોય એવું દેખાઈ રહ્યું છે.
ગુજરાતમાં ઉદ્યોગપતિઓને રાહત આપવાની હોય તો ટાટા કંપનીને બધી જ રાહતો ગણીએ તો એક જ કંપનીને 60,000 કરોડ કરતાં વધારેની રાહત આપવામાં આવે અને ગુજરાતના ખેડૂતોના દેવા માફીની વાત આવે તો એની માટે સરકાર ના પાડે. એ સ્પષ્ટ બતાવે છે કે 10,000 કરોડના કહેવાતા ઐતિહાસિક પેકેજ જાહેરાતની વાતો કરે છે, પણ ખરેખર સ્થળ પર જઈને જુઓ કે પ્રતિ હેક્ટર ખર્ચો કેટલો છે? પ્રતિ હેક્ટર એનો ખર્ચની સાથે એનું જે ઉપજ છે, એને વેચવા જાય તો એને જે આવક થવાની, એનો સરવાળો કરીએ તો એક વીઘાના 50,000 રૂૂપિયા સુધી કપાસમાં અને અન્ય પેદાશોમાં એટલી જ આવકની શક્યતાઓ છે જે ખેડૂતોની મહેનત હતી. એની સામે આ પેકેજ નહીવત છે. આ પેકેજ ખેડૂતોની આંખોમાં ધૂળ ચોંકવા બરોબર છે, ખેડૂતોની સાથે છેતરપિંડી કરવા બરોબર છે.
